કોંગ્રેસ હવે આક્રમક મૂડમાંઃ 150થી વધુ બળવાખોરો સામે પગલાં ભરાશે

અમદાવાદ: ગત તા. ૨૦ જૂને રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત અને ૨૦૦ તાલુકા પંચાયતમાં અઢી વર્ષની પ્રથમ મુદત પત્યા બાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ શાસિત પાંચ જિલ્લા પંચાયતને ભાજપે આંચકી લીધી હતી, જ્યારે ૩૦ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી. હવે આ તમામ જિલ્લા અને તાલુકા પંચાયતના ૧૫૦થી વધુ બળવાખોરની યાદી પક્ષ હાઇ કમાન્ડના નિર્દેશથી તૈયાર કરાઇ હોઇ ટૂંક સમયમાં તેમની સામે શિસ્તના કોરડા વિંઝાશે.

કોંગ્રેસના પ્રમુખપદની ધુરા અમિત ચાવડાએ સંભાળ્યા બાદ તેમની સમક્ષ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીએ પહેલો પડકાર ફેંક્યો હતો. પક્ષમાં જિલ્લા અને તાલુકા સ્તરે જૂથવાદ ચરમ સીમાએ પહોંચતા નવા પ્રદેશ પ્રમુખને ડેમેજ કંટ્રોલની કપરી કામગીરી બજાવવી પડી હતી. તેમ છતાં પક્ષને અમદાવાદ, ભાવનગર, પાટણ, દાહોદ અને મહીસાગર જિલ્લા પંચાયત ગુમાવવી પડી હતી.

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના મનુજી ઠાકોર, જગદીશ મેણિયા, દેવકુંવરબા દાઇમા, ઇચ્છાબહેન પટેલ, ઠાકરશી રાઠોડ અને કાળુજી રાઠોડ એમ છ સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતાં પક્ષ કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સત્તા મેળવવા ખેલાયેલા દાવપેચમાં લાખો રૂપિયાની લેતી-દેતીના આક્ષેપ પણ ઊઠતા રાજકારણ ગરમાયું હતું.

કોંગ્રેસ મોડવીમંડળ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતના છ, મહીસાગર જિલ્લા પંચાયતના ત્રણ, દાહોદ જિલ્લા પંચાયતના ત્રણ, ભાવનગર જિલ્લા પંચાયતના ત્રણ બળવાખોર સભ્ય સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવાના ચક્ર ગતિમાન કરાયાં છે.

આ જિલ્લા પંચાયત ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને વડોદરા જિલ્લા પંચાયતના બળવાખોર સભ્ય મળીને આશરે ૩૦ બળવાખોર સામે શિસ્તભંગનાં પગલાં લેવાશે.

જ્યારે જામનગરની જામજોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વખતે લોકશાહી માટે શરમજનક દૃશ્યો જોવા મળ્યાં હતાં. છોટા ઉદેપુરની બોડેલી તાલુક પંચાયતમાં પણ ચૂંટણી દરમિયાન તોફાન મચ્યું હતું. કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા તાલુકા પંચાયતમાં પણ પક્ષ વિરોધી ભૂમિકા ભજવનાર ૧૨૦ બળવાખોરની યાદી તૈયાર કરાઇ હોઇ તેમની સામે પક્ષમાંથી હાંકી કાઢવા સહિતનાં આકરાં પગલાં તોળાઇ રહ્યાં છે.

You might also like