કોંગ્રેસના ૧૫૦થી વધુ ઉમેદવાર ૫૦થી નાની ઉંમરના

અમદાવાદ: કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો ૧૯૨ ઉમેદવાર પૈકી ૧૫૬ ઉમેદવાર પહેલી વખત ચૂંટણીજંગ લડવાના છે. આમ કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીના મામલે ‘ફ્રેશ ફ્રેશ’ છે. તો આની સાથે સાથે કોંગ્રેસ ‘યંગ યંગ’ પણ છે. કેમ કે કોંગ્રેસના ૮૦ ટકા ઉમેદવાર પચાસ વર્ષથી નાની ઉંમરના છે.
પ્રજામાં એન્ટી ઈન્કમબન્સી, પાટીદાર આંદોલન વગેરે પરિબળોથી કોંગ્રેસની છાવણીમાં ચૂંટણીની જાહેરાત અગાઉથી કોર્પોરેશનમાં દસ વર્ષથી ચાલતા ભાજપ શાસન હટાવવાનો ઉત્સાહ જોવા મળતો હતો. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડે ઉમેદવારોની પસંદગીમાં ફૂંકી ફૂંકીને પગલાં ભર્યાં હતાં.

પક્ષના ૩૮ ચાલુ કોર્પોરેટર પૈકી ૨૨ કોર્પોરેટરને ઘરે બેસાડીને ‘નવા’ ચહેરાઓને તક આપી છે.
એક તરફ ભાજપે ઉમેદવારીની પસંદગીમાં જૂના જોગીઓને વધુ પસંદ કર્યા છે. પીઢ અને વરિષ્ઠ કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૦૫ની ચૂંટણી લડેલા કે તે વખતે કપાયેલાઓને બોલાવી બોલાવીને ફરીથી ટિકિટ અાપી છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો ફક્ત નવા ચહેરાઓને જ ધરાવતા નથી પરંતુ યુવા ચહેરાઓથી પણ ભરપૂર છે.

કોંગ્રેસના ૧૫૦થી વધુ ઉમેદવારો પચાસ વર્ષથી નાની ઉંમરના છે. એટલે કે યુવાઓ છે. ૨૧થી ૩૦ વર્ષની વયજૂથના ૧૫થી વધુ ઉમેદવારો છે. ૩૧થી ૪૦ વર્ષની વયજૂથના ૪૫થી વધુ ઉમેદવારો છે. ૪૧થી ૫૦ વર્ષની વયજૂથના ૫૫થી વધુ ઉમેદવારો છે. જ્યારે ૫૧થી ઉંપરની ઉંમરના એટલે કે ઉંમરલાયક ઉમેદવારોની સંખ્યા ફક્ત પાંત્રીસેક જેટલી જ છે. પણ નેતૃત્ત્વએ પ્રારંભથી યુવા તાજગીસભર સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાઓને ઉમેદવારો તરીકે પસંદ કરવા પર ભાર મૂક્યો હતો અને તે પ્રમાણે જ ઉમેદવારો પસંદ કરાયા હોવાનું કોંગ્રેસનાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું છે.

You might also like