કોંગ્રેસના ધારાસભ્યો રક્ષાબંધનની સવારે પરત આવશે

અમદાવાદ: આગામી તા.૮ ઓગસ્ટે યોજાનારી ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી ભારે ઉત્તેજના સભર બની છે. આ ચૂંટણી અગાઉ કોંગ્રેસના ૪૪ ધારાસભ્યને બેંગલુરુ લઇ જવાયા છે. બેંગલુરુના એક ફાઈવસ્ટાર રિસોર્ટમાં આ ધારાસભ્યોને રોકાણ અપાયું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રિસોર્ટમાં રહેતા ધારાસભ્યો રક્ષાબંધનની સવારે અમદાવાદ આવશે. જોકે તમામ ધારાસભ્યો એક સાથે આવશે કે તબક્કાવાર ટુકડીમાં આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

બેંગલુરુના ફાઇવસ્ટાર રિસોર્ટમાં રોકાયેલા ધારાસભ્યોને અમદાવાદ પરત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂકયું છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પરિવાર સાથે ધારાસભ્યો ઊજવી શકે તેવા આશયથી આગામી તા.૭ ઓગસ્ટ રક્ષાબંધનની સવારે જ તેમને અમદાવાદ પરત લવાશે. અગાઉ તા.૪ ઓગસ્ટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ધારાસભ્યો સાથે રૂબરૂ મુલાકાત કરવા બેંગલુરુ જવાના હતા. તેઓ બેંગલુરુ દોઢેક દિવસનું રોકાણ પણ કરવાના હતા. જોકે હવે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બેંગલુરુ જવાનું માંડી વાળ્યું છે.

દરમિયાન બેંગલુરુના રિસોર્ટમાં રોકાયેલા ધારાસભ્યો પૈકી જે બે ધારાસભ્ય બીમાર પડયા હતા તે બંને સ્વસ્થ થઇ ગયા હોવાનું જણાવતાં સૂત્રો કહે છે કે બે દિવસ પહેલાં કર્ણાટકના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ધારાસભ્યોની સૌજન્ય મુલાકાત લીધી હતી. આજે કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારામૈયા ધારાસભ્યોની શુભેચ્છા મુલાકાત લેશે.આ દરમિયાન રક્ષાબંધનની સવારે ધારાસભ્યો અમદાવાદ આવી રહ્યા છે, પરંતુ આ ધારાસભ્યોને અમદાવાદ લવાયા બાદ આણંદ નજીકના એક ફાર્મ હાઉસમાં રખાશે. તા.૮ ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી સુધી આ ધારાસભ્યો આણંદ નજીકના આ ફાર્મ હાઉસમાં જ રહેશે. પોતાના પરિવારજનો સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ ધારાસભ્યો ફાર્મ હાઉસમાં જ કરશે તેમ કોંગ્રેસનાં સૂત્રો વધુમાં જણાવે છે.

You might also like