કોંગ્રેસના ધારાસભ્યો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ર૧મીએ લંચ લેશે

અમદાવાદ: તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ત્રીજી બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ પુનઃ વિજયી બનતાં કોંગ્રેસની છાવણીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે નવો પ્રાણ પુરાયો છે. બેંગલુરુમાં રખાયેલા ૪૩ ધારાસભ્યો પૈકી સાણંદના ધારાસભ્ય કરમશી પટેલનું ક્રોસ ‌વોટિંગ છોડતાં અન્ય તમામ ધારાસભ્યોએ એહમદ પટેલને મત આપતાં કોંગ્રેસ અકબંધ રહી હતી. આ ધારાસભ્યોની વફાદારીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ હોઇ તેઓ આગામી ર૧ ઓગસ્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે લંચ લેશે.

કોંગ્રેસના ધારાસભ્યો ર૦ ઓગસ્ટે રાત્રે ૮.રપ વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ પકડીને દિલ્હી રાત્રે ૧૦.૦પ વાગ્યે ઊતરશે. ગુજરાત ભવનમાં રાત્રીરોકાણ કરીને ર૧ ઓગસ્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે લંચ લેશે. ત્યારબાદ ફરી ગુજરાત ભવનમાં રોકાઇને રર ઓગસ્ટે દિલ્હીના જોવાલાયક સ્થળોની મુલાકાત લેશે. તે જ દિવસે સાંજે પ.૩પ વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ પકડી ૮-૩૦ વાગ્યે ચેન્નઇ પહોંચશે. ર૩ ઓગસ્ટની સવારે ૭.૩૦ વાગ્યે ચેન્નઇથી તિરુપતિ જવા રવાના થશે.

પ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજીનાં બપોરે ૧ર-૦૦થી ૪-૦૦ દરમિયાન દર્શન કરીને તે જ દિવસે સાંજે ચેન્નઇ જવા રવાના થશે. ચેન્નઇથી રાત્રે ૯.પપ વાગ્યે સ્પાઇસ જેટની ૯.પપની ફ્લાઇટ પકડીને રાત્રે ૧ર.૧પ વાગ્યે અમદાવાદ પરત ફરશે. તેમ કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વધુમાં જણાવે છે.

You might also like