કોંગ્રેસના કેટલાક ધારાસભ્યને ખેડા નજીકના ફાર્મ હાઉસમાં રખાશે

અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આગામી તા.૮ ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી વખતે કોંગ્રેસની પ્રતિષ્ઠાનું વધુ ધોવાણ થતું અટકાવવા માટે ગઇ કાલે સાંજે પક્ષનિષ્ઠ કેટલાક ધારાસભ્યને મધ્ય ગુજરાતના ખેડા નજીકના ફાર્મ હાઉસમાં લઇ જવાયા છે. આ સઘળા ધારાસભ્યને ચૂંટણી સુધી આ ફાર્મ હાઉસમાં રખાશે.

ગઇ કાલે બપોરે વિધાનસભામાં કોંગ્રેસના દંડક અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, વીરમગામનાં ધારાસભ્ય ડો. તેજશ્રીબહેન પટેલ અને વિજાપુરના ધારાસભ્ય પ્રહ્લાદ પટેલે કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામાં આપીને ભાજપનો કેસરિયો ખેસ પહેરી લેતાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે સન્નાટો છવાઇ ગયો છે. હાલ તો પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓએ પક્ષમાં ડેમેજ કંટ્રોલની કામગીરી હાથ ધરી છે.

વર્તમાન પ્રદેશ નેતાગીરી પ્રત્યે નિષ્ઠા ધરાવતા ધારાસભ્યોને ગઇ કાલે સાંજે જ ખેડા નજીકના ફાર્મ હાઉસમાં લઇ જવાયા છે. આ ધારાસભ્યોમાં શંકરસિંહ વાઘેલા સમર્થક ધારાસભ્યો જોડાયા નથી, જોકે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશી કહે છે કે ભાજપ કાવાદાવા કરી રહ્યું છે. ભાજપની તમામ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ સામે સંગઠિત રહેવા કોંગ્રેસના ધારાસભ્યો એકમેકના સંપર્કમાં છે એટલે કોંગ્રેસને આવો કોઇ કેમ્પ કરવો જરૂરી લાગતો નથી.

એક તરફ મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે. રાઉલજી, રાઘવજી પટેલ, બળદેવજી ઠાકોર, અમિત ચૌધરી જેવા કેટલાક ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી પણ ચર્ચા છે. બીજી તરફ રાઘવજી પટેલે તો આગામી તા. ૮ ઓગસ્ટની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં નવા ધડાકા-ભડાકા થાય તેવા સંકેત પણ આપી દીધા છે. રાઘવજી પટેલ ‘સમભાવ મેટ્રો’ને સોય ઝાટકીને કહે છે કે મેં તો છ મહિના પહેલાં પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી દીધી હતી. મારી સાથે તો પક્ષના કોઇ નેતા સંપર્ક જ કરતા નથી એટલે ખેડા જવાનો કે નહીં જવાનો પ્રશ્ન જ ઊઠતો નથી, જોકે તા. ૮ ઓગસ્ટની ચૂંટણી પહેલાં પક્ષમાં નવા ધડાકા-ભડાકા થશે તે બાબત ચોક્કસ છે.
http://sambhaavnews.com/

You might also like