કોંગ્રેસના નવા પ્રભારી અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઈ

અમદાવાદ: કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આજે સવારે તેમની ઉપસ્થિતિમાં બોડકદેવના કોર્પોરેશનના ઓડિટોરિયમ ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરાઇ હતી. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી,શંકરસિંહ વાઘેલા,શક્તિસિંહ ગોહિલ ,સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન માળખા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.પાટીદાર ધારાસભ્યોને સંગઠન અને ચૂંટણીની કામગીરીમાં મહત્વપૂર્ણ સ્થાન આપવા અંગે પણ ચર્ચા વિચારણા કરાઇ હતી. જો કે વિધાનસભામાં વિપક્ષના હાલના નેતાના સ્થાને નવા નેતાની નિમણૂકની અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

અશોક ગેહલોત આવતી કાલે સાંજે દિલ્હી જવા રવાના થશે. તે પહેલાં તેમનો સંગઠનના વિવિધ હોદ્દેદારો- ધારાસભ્યો સાથેની અલગ અલગ બેઠકોનો ધમધમાટ રાજીવ ગાંધી ભવન ખાતે ચાલશે. આજે બપોરે ત્રણ વાગે તેઓ ધારાસભ્યો સાથે બેઠક યોજશે. બે દિવસના ગુજરાત પ્રવાસના અંતે તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનો વિસ્તૃત રિપોર્ટ સોંપશે. જેના આધારે દિલ્હી ખાતેથી સંગઠનને લગતાં મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરાશે.
http://sambhaavnews.com/

You might also like