પાટીદારો સામેના કથિત પોલીસ દમનની તપાસનો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ઉલ્લેખ જ નહીં

અમદાવાદ: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની લાગણી અને માગણીને ખાસ મહત્ત્વ અપાયું નથી. કોંગ્રેસ ‘પાસ’નાં દબાણ આગળ વશ થયું છે તેવા સંકેત ઠાકોર સમાજ દલિત સમાજ સહિતના અન્ય સમાજમાં ન જાય તેની સાવધાની ચૂંટણી ઢંઢેરામાં રખાઇ છે.

જેના કારણે ‘પાસ’ના પાટીદારો સામેના કથિત પોલીસ દમનના જવાબદારો સામે પગલાં લેવા સીટની રચના કરવા સહિતની માગણીના મામલે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સિફતપૂર્વક મૌન પળાયું છે. ‘પાસ’ના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસની અનામત અંગેની ફોર્મ્યુલા સ્વીકારી પત્રકાર પરિષદ યોજીને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ‘પાસ’નો આડકતરો ટેકો જાહેર કર્યો હતો. હાર્દિક ઠેર ઠેર પોતાની સભામાં કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની લોકોને જાહેરમાં અપીલ કરી રહ્યો છે. રાજકોટની સભામાં કોંગ્રેસના ઝંડા પણ હતા જોકે હાર્દિકની કાર્યશૈલી વિરુદ્ધ પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓએ પણ નારાજગી દર્શાવી છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ‘પાસ’ની પાટીદાર સમાજને લગતી માગણીઓનો ‘પ’ પણ નથી. પાટીદાર સમાજને ઓબીસી અનામતને બદલે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સવર્ણોને અનામત આપવાનો ઉલ્લેખ કરાયો છે. ચૂંટણી ઢંઢેરામાં નલિયાકાંડ, ઊનાકાંડ વગેરેની ‘સીટ’ મારફતે તપાસ કરાવવાનો સ્પષ્ટ સમાવેશ કરાયો છે. જીએસજીસીએલ, સુજલામ્ સુફલામ્ યોજના સંદર્ભે પણ સીટ દ્વારા તપાસ કરાવાશે તેવું ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું છે. ‘પાસ’ દ્વારા કથિત પોલીસ દમનની સીટ મારફતે તપાસ કરાવવાની માગણીનો ચૂંટણી ઢંઢેરામાં કયાંય ઉલ્લેખ નથી.

‘પાસ’ની શહીદ પરિવારોને રૂ.૩પ લાખના આર્થિક વળતર સહિતની અન્ય મુખ્ય માગણીઓ બાબતે પણ ચૂંટણી ઢંઢેરો મૌન છે. ‘પાસ’ સમક્ષ કોંગ્રેસે શરણાગતિ સ્વીકારી લીધી છે તે પ્રકારનું અન્ય સમાજોમાં ચિત્ર ન ઉપસે તે માટે સિફતપૂર્વક ‘પાસ’ની પાટીદાર સમાજને ઓબીસી અનામત સહિતની તમામ મુખ્ય માગણીઓને ચૂંટણી ઢંઢેરામાં સિફતપૂર્વક નજર અંદાજ કરાઇ હોવાનું વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

You might also like