Karnataka: ભાજપ બહુમતિથી નજીક, JDS-કોંગ્રેસ બનાવી શકે છે સરકાર

બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 4 વાગ્યાની આસાપસ રાજીનામું રાજ્યપાલને સોંપશે. જો કે રાજ્યમાં ભાજપની સરકાર ન બનાવવા માટે કોંગ્રેસ જેડીએસની સમર્થન આપશે. જેમાં JDS પક્ષનો ઉમેદવાર મુખ્યમંત્રી બનશે. હાલમાં કુલ 192 બેઠકના પરિણામ સામે આવી રહ્યાં છે. જેમાં ભાજપ 94, કોંગ્રેસ 68 અને જેડી(એસ)ને 28માં જીત મળી છે.

દક્ષિણ ભારતમાં હવે કર્ણાટકના કિલ્લા પર ભાજપની પક્કડ મજબૂત બની ગઈ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રવાહો અનુસાર ભાજપ સંપૂર્ણ બહુમતીની દિશામાં વિજયકૂચ કરી રહ્યો છે. કર્ણાટકમાં ફરી એક વખત ભાજપનું કમળ ખીલી ગયું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે બપોરે ૧૨.૦૦ કલાકે ૨૨૨ બેઠકની મતગણતરીના પ્રવાહ અનુસાર ભાજપ હવે ૧૧૨ બેઠક પર સરસાઈ સાથે આગળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બહુમતી માટે ૧૧૩ બેઠકનો આંકડો જરૂરી છે. જ્યારે કોંગ્રેસ ૬૯ બેઠક પર સરસાઈ સાથે બીજા ક્રમે છે અને જનતા દળ એસ ૩૯ બેઠક પર સરસાઈ સાથે ત્રીજા ક્રમે છે. અને અન્ય ઉમેદવારો બે બેઠક પર આગળ છે. આમ હવે ભાજપ કર્ણાટકમાં પોતાના એકલાના જોરે બહુમતી સાથે સરકાર રચશે એવા નિર્દેશો મળી રહ્યા છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ભાજપને અત્યાર સુધીમાં ૪૧.૬ ટકા, કોંગ્રેસને ૪૦.૧ ટકા અને જનતા દળ (એસ)ને ૧૩.૩ ટકા વોટ મળ્યા છે. લોકસભાના સાંસદ મીનાક્ષી લેખીએ કર્ણાટકનાં ચૂંટણીનાં પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કર્ણાટકનાં પરિણામો બતાવે છે કે બહુમતી ભાજપ સાથે છે.

ભાજપના વિજયના પગલે આજે બપોરે ૩.૦૦ કલાકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પત્રકાર પરિષદને સંબોધન કરશે. સાંજે ૬.૦૦ કલાકે ભાજપ સંસદીય પક્ષની બેઠક ભાજપનાં વડાં મથકે મળશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. અહેવાલો અનુસાર કર્ણાટકમાં ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર યેદિયુરપ્પા આજે સાંજે દિલ્હી પહોંચી રહ્યા છે. મત ગણતરીના પ્રવાહોમાં બહુમતીના નિર્દેશ સાથે ભાજપના કાર્યાલયોમાં ઉત્સવ અને જશ્નનો માહોલ છવાઈ ગયો છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે સેમી ફાઈનલ તરીકે ગણાતી હતી અને તેમાં ભાજપનો હવે વિજય થતાં ૨૦૧૯ માટે ભાજપનો માર્ગ વધુ સરળ બની જશે. ભાજપના પક્ષમાં આવેલાં પરિણામો પરથી સ્પષ્ટ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ અકબંધ છે અને તેમના વીજળિક પ્રચારની મોટી અસર થઈ છે અને છેલ્લા અઠવાડિયામાં એક સાથે ઉપરાછાપરી ૨૧ રેલીઓને સંબોધીને મોદીએ કર્ણાટકમાં ચિત્ર બદલી નાંખ્યું હતું.

હવે ભાજપને જ્યારે સંપૂર્ણ બહુમતી સુનિશ્ચિત છે ત્યારે તે કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વગર કે કોઈ પણ પક્ષનો ટેકો લીધા વગર પોતાના જોરે સરકાર રચશે. મુખ્યપ્રધાન પદના ઉમેદવાર યેદિયુરપ્પાના નેતૃત્વમાં હવે કર્ણાટકમાં સરકાર રચાશે.

મત ગણતરીના પ્રવાહો અનુસાર પ્રારંભિક તબક્કે એટલે કે શરૂઆતના ૧૫થી ૨૦ મિનિટ દરમિયાન કોંગ્રેસ આગળ હતી, પરંતુ ત્યારબાદ ૯૪ બેઠક પર સરસાઈ સાથે આગળ વધી રહી હતી અને કોંગ્રેસ ૫૮ તેમજ જનતા દળ (એસ) ૪૪ બેઠક સાથે આગળ હતી. ત્યાર બાદ ધીમે ધીમે ચિત્ર બદલાતું ગયું હતું અને ભાજપ ૧૦૦ કરતાં વધુ બેઠક પર સરસાઈ સાથે આગળ વધી ગયું હતું ત્યારે સુનિશ્ચિત થઈ ગયું હતું કે હવે કર્ણાટકમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસની વાપસી શક્ય નથી.

બેંગલુરુ શહેરની છએ છ બેઠક પર કોંગ્રેસને પાછળ રાખીને ભાજપ સરસાઈમાં છે, જ્યારે મૈસુરમાં જનતા દળ એસને સરસાઈ મળી રહી છે. શરૂઆતના મતગણતરીના પ્રવાહોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે ચિત્ર બદલાઈ ગયું હતું અને ભાજપની સરસાઈવાળી બેઠકો સતત વધી રહી હતી.

જનતા દળ એસના વડા અને પૂર્વ વડા પ્રધાન એ.ડી. દૈવગૌડાના બંને પુત્રો એચ.ડી. કુમારસ્વામી રામનગર અને એચ.ડી. રેવન્ના હોલંસીપુરી બેઠક પર આગળ ચાલી રહ્યા છે. શિકારીપુરાની બેઠક પરથી ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર યેદિયુરપ્પા સરસાઈ સાથે આગળ છે, જ્યારે કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા બે બેઠક ચૂંટણી લડ્યા હતા અને આ બે બેઠકો પૈકી તેઓ ચામુંડેશ્વરી બેઠક પરથી પાછળ હતા અને બદામી બેઠક પરથી આગળ છે.

વરુણાની બેઠક સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર આગળ છે. બાદામીની બેઠક પર જેમનું નામ કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન તરીકે સંભળાઈ રહ્યું છે એવા ભાજપના નેતા શ્રીરામુનુલેને સરસાઈ મળી છે. દાવણગેરેની બેઠક પર મલ્લિકા અર્જુનના પુત્ર પાછળ છે.

કર્ણાટકના વિજય પર પ્રતિસાદ આપતાં છત્તીસગઢના મુખ્યપ્રધાન રમનસિંહે જણાવ્યું હતું કે ભાજપની આ ઐતિહાસિક જીત છે. આ માટે હું કર્ણાટકના તમામ મતદારોને ધન્યવાદ આપું છું. હવે દેશમાં કોંગ્રેસ શોધો અભિયાન ચાલશે.

You might also like