કોંગ્રેસ અગ્રણીના પુત્રનું અપહરણ થતાં સનસનાટીઃ રૂ.રપ લાખની ખંડણીની માગણી

અમદાવાદ: મહેસાણા હાઇવે પર ઊંઝા ચાર રસ્તા પાસેથી ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રનું ચાર શખ્સોએ કારમાં અપહરણ કરતાં આ ઘટનાને સનસનાટી મચાવી દીધી હતી, જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી ચોતરફ નાકાબંધી કરતાં અપહરણકારો પાટણ ચાર રસ્તા નજીકથી ઝડપી લઇ અપહૃત યુવાનને મુકત કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇશ્વરસિંહ ઠાકોરનો યુવાન પુત્ર અજિતજી ગઇ કાલે બપોરે ઊંઝા ચોકડી પાસે એક હોટલ પર બેઠો હતો ત્યારે જીજે-ર એપી-૮૯૮૩ નંબરની વેગનઆર કારમાં આવેલા ચાર શખ્સોએ અજિતજીનું અપહરણ કર્યું હતું. આ સમાચાર વાયુવેગે ઊંઝામાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી.
દરમિયાનમાં અજિતજીએ તેના પિતાને ફોન કરી કહ્યું હતું કે મારું અપહરણ થયું છે અને અપહરણકારો રૂ.રપ લાખની ખંડણી માગે છે. આટલી વાત થયા બાદ ફોન કપાઇ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી ચોતરફ નાકાબંધી કરી દીધી હતી.
નાકાબંધી દરમિયાન પાટણ ચાર રસ્તા પાસેથી ગઇ મોડી રાત્રે ત્રણ અપહરણકારોને કાર સાથે ઝડપી લીધા હતા ત્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે અપહૃત યુવાન અજિતજીને મુકત કરાવ્યો હતો. ઊંઝા પોલીસે આ અંગે અપહરણ અને ખંડણીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ઊંઝાના જ રબારી શખ્સો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સની પૂછપરછ શરૂ કરી છે.

You might also like