‘પાસ’ની વીસથી વધુ બેઠકની માગણી કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડી ગયા

અમદાવાદ: કોંગ્રેસ અને પાસ વચ્ચે બુધવારની મેરેથોન બેઠકમાં ઓબીસી અનામતના મામલે તો કોકડું બેઠકમાં જ ગૂંચવાયું, પરંતુ ‘પાસ’ની વિધાનસભાની ચૂંટણીમાં વીસથી બાવીસ બેઠકની માગણીથી પણ આંટી પડી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે પાસની વીસથી વધુ બેઠકની માગણીનું કોકડું ઉકેલવા કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડી ગયાની ચર્ચા ઊઠી છે.

ગયા બુધવારે ઓબીસી અનામતના મામલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી મેરેથોન બેઠકમાં ‘પાસ’એ સ્પષ્ટતાપણે ઈબીસી અનામતની કોંગ્રેસની ઓફરને ફગાવી દેતાં ત્રણ કલાક ચાલેલી ચર્ચા વિચારણાના અંતે ફોર્મ્યુલા પર બેઠક અનિર્ણયિત રહી હતી.

જોકે પૂર્વ યુપીએ સરકારના પૂર્વ કાયદાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ આ બેઠકનો રિપોર્ટ વધુ કાર્યવાહી માટે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને સોંપી દીધો છે. એટલે આજે દિલ્હીમાં પાટીદાર સમાજને ઓબીસી અનામત અંગે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ, પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બાળાસાહેબ થોરાટ સહિતના આગેવાનો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠક આજે સવારે યોજાઈ છે.

સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી આ બેઠકમાં વિધાનસભાની કુલ ૧૮૨ બેઠક પૈકી પાસનું પ્રતિનિધિત્વ કરતા કેટલા ઉમેદવારોને ટિકિટ ફાળવણીને અંગે પણ વિસ્તૃતપણે ચર્ચા હાથ ધરાશે. જાણકાર સૂત્રો વધુમાં કહે છે કે પાસને અમદાવાદ શહેરની બાપુનગર, નિકોલ, ઠક્કરબાપાનગર, વટવા, અમરાઈવાડી જેવી બેઠકો પર પોતાના પ્રતિનિધિને ઊભા રાખવાની ઈચ્છા પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ કરી જ છે.

હાર્દિક પટેલ ઉપરાંત અલ્પેશ ઠાકોરના નવા ફેક્ટરથી અમદાવાદ શહેર – જિલ્લા સહિત રાજ્યની ૫૦થી વધુ બેઠક પરના અગાઉનાં સમીકરણ બદલાયાં છે. આજથી દિલ્હીની બેઠકમાં અલ્પેશ ઠાકોરની માગણી અનુસારની પંદરથી વીસ બેઠક અંગે અંતિમ નિર્ણય લેવાશે. કોંગ્રેસની સીટિંગ ઉમેદવારોની પહેલી યાદી તા. ૧૪ નવેમ્બરની રાતે પ્રસિદ્ધ થઈ શકે છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠક માટે પ્રથમ તબક્કામાં આગામી તા. ૯ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી વિલંબ થશે. આ યાદી ભાજપની યાદી બાદ એટલે કે મોડામાં મોડી તા. ૧૯ નવેમ્બરની રાત્રે જાહેર કરાશે.

You might also like