આશાવરી મહેફીલકાંડ : અર્જુન મોઢવાડીયાની ક્રાઇમ બ્રાંચમાં પુછપરછ

અમદાવાદ : અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાં દારૂની મહેફીલ માણી રહેલા યુવક અને યુવતીઓની પોલીસ દ્વારા દરોડો પાડીને તપાસ કરવામાં આવી હતી. જેમાં અર્જુન મોઢવાડીયાનો પુત્ર પણ ઝડપાયો
હતો. ત્યાર બાદ મોઢવાડીયાએ પીએસઆઇનો તોડ માટેનાં ફોનની ઓડિયો ક્લિપ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને વાઇરલ કરી હતી. ત્યાર બાદ વધારે પુરાવાઓ હોવાનો પણ દાવો કર્યો હતો. જેથી ક્રાઇમ બ્રાંચ દ્વારા મહેફિલ કેસમાં પુરાવાઓ રજુ કરવા માટે મોઢવાડીયાને સમન્સ મોકલવામાં આવ્યું હતું.

મોઢવાડીયા જ્યારે ક્રાઇમબ્રાંચ ખાતે હાજર થયા ત્યારે મોટા પ્રમાણમાં તેમનાં સમર્થકો ઉપરાંત કોંગ્રેસનાં અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. અર્જુન મોઢવાડીયાએ અગાઉ પણ આક્ષેપ કર્યો હતો કે સેટેલાઇટ પીએસઆઇ ચંદ્રકલા બા જાડેજાએ પાંચ મહિલાઓની ધરપકડ નહી કરવાનાં બદલામાં ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે અંગેની ઓડિયો પણ તેણે જાહેર કરી હતી. ત્યાર બાદ આ સમગ્ર વિવાદ વધારે ઘેરો બન્યો હતો. ઉપરાંત ચંદ્રકલા બાની પણ બદલી કરી દેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આશાવરી ફ્લેટમાં ચાલી રહેલી દારૂ પાર્ટીમાં રેડ પાડીને પોલીસે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાનાં પુત્ર પાર્થ મોઢવાડીયા સહિત 25 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. આ રેડમાં બે સગર્ભા મહિલાઓ, બે નાના બાળકો હોવાથી તેમને છોડાવવા માટે પોલીસે 11 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કર્યો હતો. જ્યારે આ મહેફિલમાં મોઢવાડીયાનો પુત્ર અને પુત્રવધું પણ હોવાનો એક સુર મીડિયામાં જોવા મળ્યો હતો.

You might also like