અહેમદ પટેલે ફોર્મ ભર્યુંઃ ભાજપમાંથી સ્મૃ‌િત ઇરાની ફાઈનલઃ અન્ય નામ પર સસ્પેન્સ

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના ગુજરાતના સાંસદ અહેમદ પટેલે આજે સવારે ૧૧-૩૦ વાગ્યે ગાંધીનગર ખાતે રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભર્યું હતું. ભાજપના ઉમેદવારો આવતી કાલે ઉમેદવારીપત્ર ભરશે. ભાજપમાંથી કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને રિપીટ કરાય તે નક્કી છે. બાકીનાં નામ અંગે હજુ સસ્પેન્સ છે.

રાજ્યસભાની ચૂંટણી અંગે ગઇ કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે સાંસદ અહેમદ પટેલ અને પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતના નેતૃત્વમાં પક્ષના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરીથી અહેમદ પટેલની સર્વાનુમતે જાહેરાત કરાઇ હતી.

દરમ્યાન આજે સવારે ૧૧-૩૦ વાગ્યે ગાંધનીગરના સ્વર્ણિમ સંકુલ એક ખાતે વિધાનસભાના અધ્યક્ષના ચેમ્બરની પાસેના ખાસ કક્ષમાં સાંસદ અહેમદ પટેલે પોતાનું ઉમેદવારનું ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખો અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ તેમજ વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે ગઇ કાલની બેઠકમાં જ સર્વાનુમતે નિયુક્ત થયેલા મોહનસિંહ રાઠવા, પ્રદેશ પ્રવક્તા ડો.મનીષ દોશી સહિત પ્રદેશના પદાધિકારીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠક માટે આગામી તા.૮ ઓગસ્ટે ચૂંટણી યોજાનારી છે રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના બે ધારાસભ્ય અને જેડીયુના એક ધારાસભ્ય કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી છે. દરમ્યાનમાં રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતવાનો ભાજપનો વ્યૂહ છે. કોંગ્રેસના શંકરસિંહ જૂથના બળવાખોર ધારાસભ્યો ભાજપના ઉમેદવારને મત આપે તેવી શકયતા છે. ભાજપ સ્મૃતિ ઇરાની સિવાય અન્ય એક ઉમેદવારને ચૂંટણી લડાવશે કે પછી બે ઉમેદવારને તે હજુ સ્પષ્ટ થયું નથી.
http://sambhaavnews.com/

You might also like