છીંદવાડામાં એરપોર્ટ પર કોન્સ્ટેબલે કોંગ્રેસી નેતા કમલનાથ સામે બંદૂક તાકી

ભોપાલ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને છીંદવાડા લોકસભા મતક્ષેત્રના વરિષ્ઠ કોંગ્રેસી સાંસદ કમલનાથ પર છીંદવાડામાં એર સ્ટ્રીપ પર તહેનાત એક પોલીસકર્મીએ તેમના પર એકાએક બંદૂક તાકી દેતાં થોડીવાર માટે ગભરાટ વ્યાપી ગયો હતો. કમલનાથના સુરક્ષાકર્મીઓએ તુરત જ પોલીસકર્મીને કાબૂમાં લઇનેે તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી અને કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને નિવારી હતી. હાલ કોંગ્રેસ નેતા કમલનાથ સંપૂર્ણપણે સુર‌િક્ષત છે. બંદૂક તાકનાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

આરોપી કોન્સ્ટેબલનું નામ રત્નેશ પવાર હોવાનું જણાવાયું છે. અહેવાલો અનુસાર કોંગ્રેસ નેતા કમલનાથ જ્યારે દિલ્હી જવા માટે છીંદવાડા એરપોર્ટની ઇમલીખેડા હવાઇ પટ્ટી પર પહોંચ્યા ત્યારે પોલીસકર્મીએ તેમના પર બંદૂક તાકતાં થોડીવાર માટે કમલનાથ અને તેમના સુરક્ષાકર્મીઓના હોશ ઊડી ગયા હતા.

છીંદવાડાના એડિશનલ એસપી નીરજ સોનીએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ તિવારીએ બંદૂક તાકનાર પોલીસ કોન્સ્ટેબલ રત્નેશ પવારને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો અને સિટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આ ઘટનામાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું પોલીસ કોન્સ્ટેબલ પવારે જેવી પોતાની સર્વિસ ગન પૂર્વ કેન્દ્રીય પ્રધાન કમલનાથ પર તાકી કે તુરત જ સુરક્ષાકર્મીઓએ ગણતરીની પળોમાં તેને કાબૂમાં લઇને તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી. કોન્સ્ટેબલની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે તેણે આ હરકત શા માટે કરી તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી કોન્સ્ટેબલ માત્ર એટલું જ કહી રહ્યો છે કે તેણે આવું કેમ કર્યું તે અંગે તેને કંઇ જ યાદ નથી. પોલીસ તમામ પાસાંની તપતસ કરી રહી છે. આ ઘટના બાદ કમલનાથ પોતાના લોકસભા ક્ષેત્ર છીંદવાડાના ચાર દિવસના પ્રવાસ બાદ હેમખેમ નવી દિલ્હી જવા રવાના થયા હતાે.

You might also like