કોંગ્રેસે ષડ્યંત્રથી ચૂંટણી જીતી છે: શંકરસિંહ વાઘેલા

અમદાવાદ: રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકની ચૂંટણી ભારે રસાકસીભરી નીવડી હતી અને બે ધારાસભ્યના વોટ રદ કરવાના મામલો છેક દિલ્હી સુધી વિવાદ પહોંચતાં સમગ્ર દેશમાં ટોક ઓફ ધ કન્ટ્રી બન્યો હતો. છેવટે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીત થતાં આ સસ્પેન્સ થ્રિલર પર પડદો પડયો હતો. જોકે કોંગ્રેસના બળવાખોર નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સવારે પત્રકારો સમક્ષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ આ ચૂંટણી ષડયંત્રથી જીત્યું છે. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના નિર્ણયને પડકારાશે અને જો તેમાં ચૂંટણીપંચના નિર્ણયથી વિપરીત ચુકાદો આવશે તો અહેમદભાઇ હારી જશે.

કોંગ્રેસ દ્વારા શંકરસિંહ વાઘેલાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા બાદ આજે પોતાની પ્રતિક્રિયા વ્યકત કરવા યોજાયેલી પત્રકાર પરિષદના પ્રારંભમાં શંકરસિંહ વાઘેલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય વિજેતા ઉમેદવાર અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને અહેમદ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મેં તો ગત ર૧ જુલાઇએ કોંગ્રેસ છોડી દીધી હતી. તે વખતે જ પાર્ટીના બંધનથી મુકત થયો હતો એટલે કોંગ્રેસની સસ્પેન્સનની નોટિસનો સ્વીકાર કરું છું અને તે માટે પાર્ટીનો આભાર પણ વ્યકત કરું છું.

ગુરુદાસ કામત સાથેની બેઠકનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે વખતે પક્ષના ૩૬ ધારાસભ્યોએ ખુલ્લેઆમ પાર્ટી નેતૃત્વ સામે અસંતોષ વ્યકત કર્યો હતો. રાઘવજી પટેલે તો સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો જ મને હરાવવાની કોશિશ કરે છે. વિપક્ષના નેતા હોવાને કારણેે મેં ગુરુદાસ કામતને સમગ્ર સ્થિતિથી વાકેફ કર્યા હતા, પરંતુ તેને ગંભીરતાથી લેવાઇ નહીં અને ગુરુદાસ કામતને જ હટાવી દેવાયા.

તે વખતે જે ધારાસભ્યોને જવું હોય તે ભલે જાય તેવી ભૂમિકા અપનાવનાર પાર્ટીએ કેમ ધારાસભ્યોને બંધનમાં રાખ્યા? ૧પ દિવસ સુધી ખાણી-પીણી કરાવી ફાઇવસ્ટાર હોટલમાં રાખ્યા. શરાબ-શબાબમાં રહ્યા. જો ખુલ્લામાં રાખ્યા હોત તો ૩૦ ધારાસભ્યો કોંગ્રેસ છોડી જવાના હતા તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે સીબીઆઇના પ્રેશરના કારણે પોતે ભાજપ તરફ ઢળ્યા હોવાના આરોપને ફગાવતાં તેમણે કહ્યું કે શંકરસિંહ વાઘેલા કોઇ પ્રેશરમાં આવે તેમ નથી. મેં અશોક ગેહલોત માફી નહીં માગે તો અેહમદ પટેલને વોટ નહીં આપું તેમ પણ જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આગલી રાત્રે મને મળીને ક્રોસ વોટિંગ કરીશું તો તમે સાથ સહકાર આપશો તેવી વિનંતી કરી હતી. આ કારણથી પણ મેં કોંગ્રેસને મત નહોતો આપ્યો.

કેન્દ્રીય ચૂંટણીપંચે રિટર્નિંગ ઓફિસરની અવગણના કરી છે અને અગાઉથી જ દિલ્હીમાં ષડયંત્ર રચાઇ ગયું હતું તેવો આક્ષેપ કરતાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના પોલિંગ એજન્ટ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એજન્ટ પોતાની જગ્યા પરથી ઊભા થયા હતા અને મતપત્રક છીનવી લેવાની કોશિશ કરી હતી. રાઘવજી પટેલ અપંગ હોઇ પડતા પડતા બચી ગયા હતા. કયા ધારાસભ્ય સામે શું વાંધો ઉઠાવવો તેનું કોંગ્રેસે પહેલેથી જ પ્લાનિંગ કરી રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટના કેસોનું ડ્રાફટિંગ પણ તૈયાર હતું. બે ધારાસભ્યોના મત રદ કરાયા હતા.

જે બેઠક કોંગ્રેસ બિનહરીફ જીતી શકે તેમ હતી તેમાં કોંગ્રેસના કારણે ચૂંટણી યોજવી પડી. અહેમદભાઇને હરાવવામાં દિલ્હીવાળાને રસ હતો. દિલ્હીવાળા તેમનો હિસાબ કરવા માગતા હતા. તેવો ગંભીર આક્ષેપ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફકત અડઘા વોટથી કોંગ્રેસની જીત થઇ છે તો એની ખુશાલી ભલે મનાવે, પરંતુ આ ચૂંટણીથી જેડીયુ અને એનસીપીનું પણ વિભાજન થયું છે. આવતા અઠવાડિયે તેઓ ધારાસભ્યપદેથી રાજીનામું આપશે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

વાઘેલાઅે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર મારા વિરુદ્ધ ગમે તે લખતા પહેલા હવે ચેતી જજો. હું તે સાંખી નહીં લઉં અને પગલાં ભરીશ. દરમિયાનમાં તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે હું ભાજપમાં જોડાવાનો નથી પરંતુ મારી સાથે કોંગ્રેસ છોડનારા જેને જોડાવું હોય તે જોડાઈ શકે છે. દરમિયાનમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર અને ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાઅે અાજે અેવી જાહેરાત કરી હતી કે તેઅો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.

You might also like