કબૂતરબાજીમાં સંડોવાયેલા બાબુ કટારાને કોંગ્રેસે દાહોદની ટિકિટ આપી

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લોકસભાની ચૂંટણીની રાજ્યની ર૬ બેઠક પૈકી બાકી બચેલી દાહોદ અને ભરૂચની બેઠક પૈકી દાહોદ માટે વિવાદાસ્પદ બાબુ કટારાને ટિકિટ આપી છે. આમ તો બાબુ કટારા અન્ય બે મહિલા ઉમેદવાર પૈકી છેલ્લી ચૂંટણી લડેલાં ડો.પ્રભા તાવિયાડ અને ગરબાડા બેઠકના ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારિયા સાથે સ્પર્ધામાં હતા. જ્યારે ભરૂચ બેઠક પરથી શેરખાન પઠાણને ટિકિટ અપાઇ છે.

બાબુ કટારા અગાઉ આ બેઠક પરથી ભાજપના સંસદ સભ્ય હતા. બાબુ કટારાને ‘કબૂતરબાજી’માં દિલ્હી પોલીસે રંગે હાથે પકડ્યા હતા. વર્ષ ર૦૦૭માં તેઓ દિલ્હી એરપોર્ટ પર પોતાની પત્ની શારદાબહેન અને પુત્ર રાકેશના નામના પાસપોર્ટ પર ૩૦ વર્ષીય મહિલા પરમજિત અને ૧૪ વર્ષના અમરજિતને કેનેડાના ટોરેન્ટો લઇ જવાની બાબતે એરપોર્ટ પર પોલીસને હાથે ઝડપાયા હતા.તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો અને તત્કાલીન યુપીએ શાસનકાળમાં તેમણે યુપીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તમાં સરકારની તરફેણમાં મત આપ્યો હતો. જેના કારણે ભાજપે તેમને પક્ષમાંથી કાઢી મૂક્યા હતા બાદમાં તેમણે હ્યુમન ટ્રાફિકિંગના ગુનામાં સંસદ સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરાયા હતા. તેમની સામે કબૂતબાજીમાં રૂ.૩૦ લેવાનાે આરોપ પણ મુકાયો હતો.

બીજી તરફ કપડવંજ બેઠકના બે ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહેલા બિમલ શાહને કોંગ્રેસ હાઇકમાન્ડે ખેડા બેઠકની ટિકિટ આપતાં અન્ય દાવેદાર અને કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભીએ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી.

ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા સ્થાનિક લઘુમતી આગેવાન શકુરખાનના પુત્ર અને યૂથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શેરખાન પઠાણને ટિકિટ અપાઇ છે આમ કોંગ્રેસ દ્વારા રાજ્યની ર૬ બેઠક પૈકી અમદાવાદ પૂર્વમાંથી ગીતા પટેલને એક માત્ર મહિલા ઉમેદવાર અને શેરખાન પઠાણને એકમાત્ર લઘુમતી સમાજના ઉમેદવાર તરીકે ટિકિટ અપાઇ છે. કોંગ્રેસ દ્વારા ઊંઝા વિધાનસભાની બેઠકની પેટા ચંૂટણી માટે કાંતિ પટેલને ટિકિટ અપાઇ છે.

You might also like