કોંગ્રેસે બેન્કિંગ સિસ્ટમમાં રૂ. ૩૪ લાખ કરોડની અંડરગ્રાઉન્ડ લૂંટ ચલાવીઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર જવાબ આપતાં જણાવ્યું છે કે દેશમાં કોંગ્રેસે ૨૦૦૮થી ૨૦૧૪ સુધી એનપીએની લેન્ડમાઈન બિછાવી હતી. કોંગ્રેસે બેન્કિંગ સિસ્ટમમાં રીતસરની અંડરગ્રાઉન્ડ લૂંટ ચલાવી હતી.

આઝાદી બાદ ૨૦૦૮ સુધી બેન્કોના કરજની રકમ રૂ. ૧૮ લાખ કરોડ હતી, પરંતુ કોંગ્રેસ સરકારે ૨૦૦૮થી ૨૦૧૪ સુધીમાં આ આંકડાને વધારીને રૂ. ૫૨ લાખ કરોડ સુધી પહોંચાડી દીધો હતો.

મોદીએ જણાવ્યું હતું કે હું આ બધી વાતો એટલા માટે કરવા માગું છું કારણ કે દેશ માટે જરૂરી છે. અમે ૨૦૧૪માં જ્યારે સત્તારૂઢ થયા ત્યારે કેટલાય લોકોએ અમને જણાવ્યું હતું કે અર્થતંત્ર પર શ્વેતપત્ર જારી કરવામાં આવે, પરંતુ ત્યાર બાદ ઉપરાછાપરી એવી જાણકારી બહાર આવવા લાગી કે અમે ચોંકી ઉઠ્યા કે કોંગ્રેસે અર્થતંત્રના કેવા હાલ બેહાલ કર્યા છે.

બેન્કોનું દુર્ભાગ્ય હતું કે ૨૦૦૯માં ફરી એક વાર કોંગ્રેસ સરકાર બની અને બેન્કોની લૂંટ યુપીએના બીજા કાર્યકાળ દરમિયાન બેરોકટોક ચાલી. કોંગ્રેસે છ વર્ષ દરમિયાન ૬૦ વર્ષનાં બેન્કોનાં કરજને બમણું કરી નાંખ્યું. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના લોકો એટલા બુદ્ધિમાન હતા કે તેમણે નેટ બેન્કિંગ પહેલાં ફોન બેન્કિંગ દ્વારા પોતાના મળતિયાઓ માટે હજારો કરોડ રૂપિયા લૂંટાવી દીધા. કાગળો તો જોવામાં જ ન આવ્યા.

ફોન પર જ લોન આપી દેવામાં આવી અને મળતિયાઓ લોન પર લોન લેતા રહ્યા અને આ રીતે એનપીએનું જાળું ભારતની બેન્કિંગ સિસ્ટમ માટે લેન્ડ માઈનની જેમ બિછાવી દેવામાં આવ્યું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કેપિટલ ગુડ્સની ઈમ્પોર્ટ ડ્યૂટી ઓછી કરીને એટલી વધારવામાં આવી કે દેશની આયાતની સમકક્ષ થઈ ગઈ. રૂ. ૫૦ કરોડ કરતાં વધુ રકમના તમામ ડિફોલ્ટર્સની હવે ઓળખ થઈ ગઈ છે અને રૂ. ૨.૧૦ લાખ કરોડની રકમ બેન્કોને ફરી કેપિટલાઈઝેશન તરીકે આપવામાં આવી રહી છે.

You might also like