હેરાલ્ડ મુદ્દે વલણ સ્પષ્ટ કરવા વેબસાઇટ પર કોંગ્રેસની રજૂઆત

નવી દિલ્હી: કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નોનો સેટ જાહેર કર્યો છે, તથા પક્ષે જણાવ્યું છે કે ગાંધી પરિવારને યંગ ઇન્ડિયા લિ.(વાયઆઇ)થી કોઇ આર્થિક લાભ થયો નથી. એસોસિયેટેડ જર્નલ્સ લિ.(એજેએલ)ના આર્થિક સંકટને લીધે રચવામાં આવેલી કંપની યંગ ઇન્ડિયન લિમિટેડ એક રિયલ એસ્ટેટ કંપની છે. તેવા દાવાને પક્ષે સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો.

કાયદામાં રાજકીય પક્ષો દ્વારા ધિરાણ આપવા પર કોઇ પ્રતિબંધ નથી, તેમજ ચૂંટણીપંચે નવેમ્બર ૨૦૧૨માં આ અંગે એક સ્પષ્ટ આદેશ જાહેર કર્યો હતો તે વાત પર પણ કોંગ્રેસે ભાર મૂક્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ બાબતને લઇને કોંગ્રેસની માન્યતા રદ કરવાની માંગણી કરી હતી. પરંતુ તેમની ફરિયાદને તે વખતે ચૂંટણીપંચની પૂર્ણ બેન્ચના આદેશ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

યંગ ઇન્ડિયન લિ. દ્વારા સોનિયા અથવા રાહુલ ગાંધીને આર્થિક લાભ થયો હતો કે કેમ તેવા પ્રશ્ન અંગે પક્ષે આર્થિક લાભ થયો ન હોવાનું જણાવ્યું હતું. યંગ ઇન્ડિયનના ડિરેકટર અથવા શેર હોલ્ડર હોવાને લીધે કાયદા મુજબ કંપની તરફથી તેમને કોઇપણ લાભ લેવા પર પ્રતિબંધ છે (અને તેમણે કોઇ લાભ લીધો નથી) યંગ ઇન્ડિયન એક નોન-પ્રોફિટેબલ અને કલમ-૨૫ હેઠળની કંપની છે. એજેએલ દ્વારા વાયઆઇને કોઇ સંપત્તિ તબદિલ કરવામાં આવી હોવાની વાતને પણ કોંગ્રેસે નકારી કાઢી હતી.

કોંગ્રેસે પોતાની વેબસાઇટ પર ‘નેશનલ હેરાલ્ડ’ શિર્ષક હેઠળ મૂકવામાં આવેલા વારંવાર પૂછાતા પ્રશ્નોના સેટમાં જણાવ્યું હતું કે, એજેએલની તમામ સંપત્તિ અને આવક કંપનીમાં જ રહેશે. એક પાઇ પણ વાયઆઇ વાયઆઇના ડિરેકટરો અથવા તેના શેર હોલ્ડરોને ફાળે ગઇ નથી. એજેએલની સંપત્તિ પચાવી પાડવા માટે વાયઆઇની સ્થાપના કરવામાં આવી હતી તેવા દાવાને પણ પક્ષે ખોટા ગણાવીને ફગાવી દીધા હતા.

કોંગ્રેસે કહ્યું ‘તેનાથી ઊલટું યંગ ઇન્ડિયન એક નોન-પ્રોફિટેબલ અને કલમ-૨૫ હેઠળની કંપની હોવાથી તથા એજેએલની મુખ્ય શેરધારક હોવાને લીધે એજેએલની સંપત્તિઓની સુરક્ષા વધારે છે.’ વાયઆઇ એક રિયલ એસ્ટેટ કંપની છે તેવા નાણામંત્રી અરુણ જેટલીએ અગાઉ કરેલા દાવાને ફગાવતા કોંગ્રેસે કહ્યું કે, આ નિવેદન સંપૂર્ણપણે ખોટું છે. વાયઆઇ કોઇપણ રિયલ એસ્ટેટ મિલકત અથવા સ્થાવર મિલકતની માલિકી ધરાવતી નથી. તમામ મિલકતોની માલિકી એજેએલ પાસે જ છે.

વાયઆઇ હવે એજેએલની મિલકતોની માલિકી ધરાવે છે તેવા દાવાને પણ કોંગ્રેસે નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, વાયઆઇ અને એજેએલ બંને અલગ-અલગ સંસ્થા છે. ઇન્ડિયન હોટલ્સ લિમિટેડના કોઇ શેર હોલ્ડર પાસે તાજ ગ્રૂપની હોટલ મિલકતો પર અધિકાર છે અને તે કોઇ ખાસ હોટલની માલિકી ધરાવે છે અથવા તેમાં જઇ શકે છે તેવા ખોટા આરોપ સમાન આ બાબત છે. કોંગ્રેસ દ્વારા એજેએલને રૂ. ૯૦ કરોડની લોન અપાઇ તે અંગે પક્ષે જણાવ્યું કે, તેણે છેલ્લા કેટલાક દાયકાઓમાં એજેએલને આર્થિક મદદ પૂરી પાડી હતી. જોકે કંપનીની આર્થિક સ્થિતિ નબળી જ રહી હતી.

કોંગ્રેસે જણાવ્યું કે, તેનાથી પક્ષની એજેએલને મદદ કરવાની પ્રતિબદ્ધતા વ્યકત થતી રહી છે. કોઇપણ વાણિજ્યિક બેન્ક કંપનીની નેગેટિવ એસેટને કારણે કંપનીને એક પણ રૂપિયાનું ધિરાણ આપવા તૈયાર નહોતી.

સ્વામીની ફરિયાદ મુજબ કેસમાં જે લોકોનાં નામ છે તે તમામ વાયઆઇના ડિરેકટરો છે. આ કંપનીની સ્થાપના ૨૦૧૦માં થઇ હતી. તથા તેણે નેશનલ હેરાલ્ડના પ્રકાશક એજેએલની લોનની જવાબદારી પોતાના માથે લીધી હતી.

સોનિયા અને રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટનો આશરો લેતાં તેમની તથા અન્ય પાંચ જણા વિરુદ્ધ થયેલો ફોજદારી કેસ તથા જારી કરાયેલા સમન્સ રદ કરવા અરજી કરી હતી. સ્વામીએ નેશનલ હેરાલ્ડ મામલામાં કરેલી ફરિયાદ તેમને બદનામ કરવા તેમજ રાજકીય ઇરાદાપૂર્વક કરવામાં આવેલા એક પગલાં સહિતની અન્ય દલીલો તેમાં કરવામાં આવી હતી.

You might also like