કોંગ્રેસનો ભાજપને પડકાર,”જો યેદિયુરપ્પા પાસે સંખ્યા હોય, તો કાલે જ બહુમત સાબિત કરે”

ન્યૂ દિલ્હી: કર્ણાટકમાં સરકારની રચના સાથે જોડાયેલ મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનાં એક દિવસ પહેલા કોંગ્રેસે ગુરૂવારનાં રોજ આજનાં દિવસે ભાજપને પડકાર આપતાં કહ્યું કે,”જો ભાજપની પાસે જાદુઈ આંકડો છે તો તે આવતી કાલે જ વિધાનસભામાં બહુમત સાબિત કરીને બતાવે.

પાર્ટીનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે અમિત શાહ અને ભાજપ લોકતંત્ર અંગે પ્રવચન આપી રહ્યાં છે જ્યારે તેઓએ પોતે જ કર્ણાટકમાં લોકતંત્રનું ગળું દબાવી દીધું છે. અમે PM મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને યેદિયુરપ્પાને ખુલ્લેઆમ પડકાર ફેંકીએ છીએ કે હવે તમે આવતી કાલે જ વિધાનસભામાં બહુમત સાબિત કરીને બતાવો.”

સુરજેવાલાએ કહ્યું કે આપણાં દેશમાં એક જ બંધારણ અને એક જ કાયદો જ રહેશે. જો સૌથી મોટી પાર્ટીની તક ભાજપનાં લોકો આપી રહ્યાં છે તો સૌ પહેલાં બિહાર, ગોવા અને મણિપુરની સરકારોએ રાજીનામાં આપી દેવા જોઈએ. તેઓએ એવો આરોપ લગાવ્યો છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને JDSનાં ધારાસભ્યોને તોડવા માટે ભાજપ તમામ પ્રકારનાં નુસખાઓ અપનાવી રહી છે. પરંતુ તેઓને સફળતા નથી મળી રહી. જેથી તેઓ નિરાશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાને આજનાં દિવસે રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદનાં શપથ લેવડાવ્યાં છે. ગત રાતે સુપ્રીમ કોર્ટે પણ યેદિયુરપ્પાનાં શપથ ગ્રહણ પર પ્રતિબંધ લગાવવાની ના કહી દીધી હતી.

રાજ્યપાલ વજુભાઈ વાળાએ બુધવારનાં રોજ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસ એ જ રાત્રે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

મહત્વનું છે કે રાજ્યમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી તો મળી નથી. જેને લઇને પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે વજુભાઈ વાળાની આલોચના કરતા કહ્યું કે વાળાએ ભાજપમાં પોતાનાં રાજકીય આકાઓની ઈચ્છાનું પાલન કરવામાં ભારતીય લોકતાંત્રિક રાજકારણનો નરસંહાર કર્યો છે. તેઓએ મીડિયાને એમ પણ કહ્યું કે રાજ્યપાલે જે રીતે ભાજપને સમય આપ્યો છે તે એક નિરાશાજનક બાબત છે.

You might also like