ભાજપના ડરથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને રાજ્ય બહાર ફરવા લઈ જવાયા

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પંચાયતમાં બે ટર્મ બાદ બહુમતી સાથે કોંગ્રેસ પક્ષ ફરી સત્તાનાં સૂત્રો સંભાળવા જઈ રહ્યો છે. જેના સંદર્ભે અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ભાજપ કરતાં બે બેઠક સાથે બહુમતી મળી છે ત્યારે જિલ્લા પંચાયતની રચના થાય ત્યાં સુધી જિલ્લા પંચાયતના વિજેતા સભ્યોને લઈને જિલ્લાના ગુજરાત બહાર ફરવા ઉપડી ગયા છે.

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા અંગે પંચાયતની પ્રથમ સામાન્ય સભા બોલાવવા માટે સંભવત: જિલ્લા કલેક્ટર દ્વારા અાજે પરિપત્ર જાહેર કરવામાં અાવે તેવી સંભાવના છે. જેના અંતર્ગત અાગામી તા.14 કે 15 ડિસેમ્બરના રોજ જિ. પં.ની સામાન્ય સભા મળે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં અાવી રહી છે.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને માત્ર બે બેઠક વધુ મળી છે ત્યારે ભાજપ દ્વારા સત્તાના જોરે તેમજ યેનકેન પ્રકારે પંચાયતનો કબજો લેવા માટે સભ્યોને તોડવામાં અાવે તેવી દહેશત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને તૂટતાં બચાવવા માટે જિલ્લા કોંગ્રેસના અાગેવાનો તેમના તમામ વિજેતા સભ્યોને સાથે લઈને ગુજરાત બહારના પ્રવાસે નીકળી ગયા છે.

અા સભ્યોને પ્રથમ મહારાષ્ટ્રના ‌િશરડી અને ત્યારબાદ શનિદેવના મંદિર શિંગણાપુર ખાતે દર્શન કરાવ્યા હતા. ત્યાર બાદ તેઅોને લઈને મધ્યપ્રદેશના ખજૂરાહો તરફ લઇ જવામાં અાવ્યા હોવાનું જાણવામાં અાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભાની જાહેર થઈ ગયા પછી પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરાઇ ગયા બાદ અાવા વિજેતા સભ્યોને અમદાવાદ લાવવામાં અાવશે. અાવું કરવા પાછળ સૂત્રોએ જણાવ્યું હતું કે બે ટર્મ બાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી છે ત્યારે પક્ષના નેતાઅો અને અાગેવાનો કોઈ પણ જોખમ લેવા માગતા નથી. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ભાજપ ભૂતકાળમાં પણ કોંગ્રેસની અન્ય જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો તોડી ચૂક્યું છે.

You might also like