છ મહાનગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોને વિવિધ કમિટીમાં સ્થાન મળે તેવી શક્યતા

અમદાવાદ: અમદાવાદ સહિત રાજયની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પુનઃ સત્તાના સૂત્રો સંભાળ્યા છે. જયારે ભાવનગર શહેરમાં પાંચમી વખત અને અમદાવાદમાં હેટ્રીક કરીને ભગવો લહેરાયો છે. છતાં આગામી દિવસો ગુજરાતના રાજકારણમાં આવેલા ફેરફારોના કારણે ભાજપે રાજકીય રીતે નરમ પડવું પડશે. અત્યાર સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સહિત અનેક શહેરોમાં વિપક્ષોને વિવિધ કમિટીઓમાં સ્થાન નહીં આપીને લોકશાહીમાં સરમુખત્યાર જેવું વર્તન કરતાં ભાજપે નરમ પડવું પડશે. આ માટે બન્ને પક્ષોના મોવડીઓ વચ્ચે વાટાઘાટો માટે તખતો ઘડાઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ અંગે કોંગ્રેસ દ્વારા વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. ચૂંટણીમાં ભાજપે ભલે છ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા હોય, ૫૬ માંથી ૪૦ નગરપાલિકામાં સત્તા મેળવી હોય પણ કોંગ્રેસ જો વિપક્ષના પ્રેાટેટા મુજબ કમિટીઓમાં સ્થાન નહીં આપે તો ૨૨ જિલ્લા પંચાયતમાં અને ૧૫૦ જેટલી તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ ભાજપના સભ્યોને વિવિધ કમિટીઓમાં સ્થાન નહીં આપે.ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવિધ કમિટીઓમાં વિપક્ષને સ્થાન આપવા બાબતે ઝઘડો ગાંધીનગર અને જુનાગઢની ગઈ ચૂંટણીના પરિણામ પછી થયો હતો.

સત્તાના નશામાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગર અને જુનાગઢમાં સત્તા મળતા તેમણે ભાજપના વિપક્ષના સભ્યોને વિવિધ કમિટીઓમાં સ્થાન નહીં આપીને લોકશાહી મૂલ્યોનું હનન કરતાં ભાજપના મોવડીઓ ચોંકી ઉઠયા હતા અને પોતાના સત્તાવાળી છ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસના સભ્યો વિવિધ કમિટીમાં સ્થાન આપ્યા હતા ત્યાંથી હટાવી દીધા હતા આમ ભાજપે કોંગ્રેસને ઈંટનો જવાબ પથ્થરથી આપી દીધો હતો.

ત્યાર પછી થૂંકેલું ચાટવા માટે ટેવાયેલા કોંગ્રેસે કમિટીઓમાં સ્થાન મેળવવા ભાજપના મોવડીઓ સમક્ષ એનક વખત રજૂઆત કરી હતી પણ ભાજપ નિર્ણયમાં મક્કમ હતું પણ આ વર્ષે છ મહાનગરપાલિકાઓમાં વિવિધ કમિટીઓમાં કોંગ્રેસને સ્થાન અપાય તેવા સંજોગો નિર્માણ થયા છે.

You might also like