જિલ્લા, તાલુકા પંચાયતો-પાલિકાની ર૮ બેઠકો ઉપર કોંગ્રેસ બિનહરિફ

અમદાવાદ: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ર૮ ઉમેદવારો વિવિધ સંસ્થાઓમાં બિનહરિફ જાહેર થયા છે. જેના કારણે સત્તાધારી ભાજપ પક્ષ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને યેનકેન પ્રકારે ભયના વાતાવરણ હેઠળ નિરાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કર્યો છે.

દોશીએ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ર૮ ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. જેમાં પાટણ જિલ્લા પંચાયતની એક બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. આ ઉપરાંત રાજ્યની તાલુકા પંચાયતોની ૧પ બેઠક અને નગરપાલિકાની ૧ર બેઠકો ઉપર પણ કોંગ્રેસના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. કોંગ્રેસ પક્ષમાં સ્થાનિક આગેવાનો અને પ્રજાનો મળી રહેલો વિશ્વાસનું આ પ્રતીક છે. જે રીતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને સમર્થન અને સહયોગ મળી રહ્યો છે તેનાથી ભાજપ સરકાર અને અન્ય તત્વો બેબાકળાં બનીગયા છે.

કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને કાર્યકરોને જુદી જુદી રીતે યેનકેન પ્રકારે ભયના વાતાવરણ હેઠળ નિરાશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છેે. ઘણી જગ્યાએ વહીવટી તંત્ર કાંગ્રેસ પક્ષના ઉમેદવારોના પ્રચારમાં આડખીલી ઊભી કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ તટસ્થ કામગીરી કરે તેવી અપેક્ષા કોંગ્રેસ પક્ષ તરફથી રાખવામાં આવી રહી છે.

You might also like