ટીમ કોંગ્રેસ તરીકે ચૂંટણી લડવા ઉમેદવારોને સલાહ

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે નહીં પણ એક ટીમ કોંગ્રેસ તરીકે ચૂંટણી લડવા માટે પક્ષના ઉમેદવારોને વોર્ડ પ્રમુખોને પૂર્વ પ્રદેશ પ્રમુખ અને શહેર કોંગ્રેસના ઈન્ચાર્જ સિદ્ધાર્થ પટેલે આજે સલાહ આપી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના તમામ ઉમેદવારો અને વોર્ડ પ્રમુખોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવા માટે એક બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ૧૯રમાંથી ૧પ૬ ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. આથી આવા ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે માટે પક્ષ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું.

આ બેઠકમાં શહેર કોંગ્રેસના ઈન્ચાર્જ સિદ્ધાર્થ પટેલે તમામ ઉમેદવારોને વ્યક્તિગત રીતે નહીં પણ એક ટીમ કોંગ્રેસ તરીકે ચૂંટણી લડવા માટે આહ્વાન કર્યું હતું.  આ બેઠકમાં શહેર પ્રમુખ ચેતન રાવલે પક્ષના ઉમેદવારોને તેમજ વોર્ડ પ્રમુખોને આક્રમકતાથી ચૂંટણી લડીને જીતવા માટે સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રજાને મત આપવા છે પરંતુ મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની જવાબદારી સૌએ સાથે મળીને ઉપાડવાની છે. તેમજ ચૂંટણી વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહી જાય તે માટેની પણ તમામને તાકીદ કરાઈ હતી.

આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા બદરુદ્દીન શેખે તમામ ઉમેદવારોને તાકીદ કરતાં જણાવ્યું હતું કે જે કોઈ ઉમેદવાર તેની આખી પેનલને જીતાડીને લાવશે તેને જ હોદ્દો આપવામાં આવશે. અન્યથા તેમને કોઈ હોદ્દો આપવામાં આવશે નહીં.
આ બેઠકમાં ધારાસભ્ય શૈલેશ પરમાર, પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ પંકજ શાહ અને રાજકુમાર ગુપ્તાએ મહત્વના સૂચનો કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ પ્રવક્તા ડૉ. મનીષ દોશી, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુ મંદાકિની પટેલ, શહેર સેવાદળના મુખ્ય સંગઠક શૈલેશ શિંદે, યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થિવરાજસિંહ કઠવાડિયા અને વિનયસિંહ તોમર તેમજ દરેક વોર્ડના પ્રમુખો અને ઉમેદવારો હાજર રહ્યા હતા.

You might also like