ભારત બંધને મિશ્ર પ્રતિસાદઃ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ચક્કાજામ

અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસ પક્ષ સહિત ૨૧ પક્ષ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના એલાનની અમદાવાદ શહેરમાં કોઇ ખાસ અસર જોવા મળી ન હતી.

કેટલાક વિસ્તારોમાં બંધની અસર દેખાઇ હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં નહિવત્ અસર જોવા મળી હતી. એકંદરે જનજીવન રાબેતા મુજબ રહ્યું હતું.

વહેલી સવારથી જ જનજીવન રાબેતા મુજબ શરૂ થયું હતું, જોકે કેટલાક કોંગ્રેસના કાર્યકરો શહેરના જુદા જુુદા વિસ્તારમાં બજાર- સ્કૂલો બંધ કરાવવા નીકળ્યા હતા. શહેરના લાલદરવાજા વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ધરણાં માટે જતા કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય શૈલેશ પરમાર, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ સહિત અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

શહેરની અનેક સ્કૂલમાં જઇ કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલો બંધ કરાવી હતી. કેટલીક સ્કૂલો બંધ કરાવવા જતાં સ્કૂલ સંચાલકો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી.

શહેરમાં બજારો, સ્કૂલ-કોલેજો બંધ કરાવવા તેમજ રસ્તા પર ઊતરી આવી વાહનો રોકી ચક્કાજામ કરાવતાં પોલીસે કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

વહેલી સવારથી જ એએમટીએસ બસ અને બીઆરટીએસ બસ સેવાને આ‌ંશિક અસર થવા પામી હતી. વહેલી સવારે શાહપુર-હલીમની ખડકી પાસે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. શહેરમાં જનજીવન સવારથી સામાન્ય રહ્યું હતું.

પશ્ચિમ વિસ્તારમાં બંધની નહિવત્ અસર જોવા મળી હતી. પશ્ચિમ વિસ્તારમાં સવારથી ઓફિસો-દુકાનો, શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થયાં હતાં.

આજે વહેલી સવારથી શહેરના પૂર્વ વિસ્તારમાં તંગદીલીનો મહોલ સર્જાયો હતો. કોગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઊતરી આવ્યા હતા અને એએમટીએસ બસ તેમજ ‌િરક્ષાચાલકોને રોકવાની કોશિશ કરી હતી. પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર, કૃષ્ણનગર, દાણીલીમડા, નરોડા, ઇસનપુર જેવા અનેક વિસ્તારમાં સવારથી કાર્યકર્તાઓ રોડ પર ઊતરી આવ્યા હતા અને સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.

તમામ વિસ્તારમાં લોકોએ બસોને રોકીને કાચ તોડી નાખ્યા હતા અને ટાયરોની હવા કાઢી નાખી હતી. જ્યારે રિક્ષાચાલકોને પણ રોકીને માર માર્યો હતો. અમરાઇવાડી-ગોપાલનગર-હાટકેશ્વર વિસ્તારમાં પેસેન્જરોને લઇને નીકળેલી રિક્ષાઓને રોકી હતી અને તેમાંથી પેસેન્જરને ઉતારીને રિક્ષાચાલકોને માર માર્યો હતો.

શહેરના તમામ વિસ્તારમાં ચાલુ કરેલી દુકાનો-ઓફિસો પણ બંધ કરાવવા માટે કોગ્રેસ પક્ષના હજારો કાર્યકરો તેમજ વિવિધ પક્ષના કાર્યકરો રોડ પર ઊતરી આવ્યા હતા. તંગદિલીના માહોલ વચ્ચે શહેરના પૂર્વ વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી.

પૂર્વ વિસ્તારમાં ત્રણ ડીસીપી, ચાર એસીપી, ૩૦ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧પ૦ પીએસાઇ, ર૩૦૦ પોલીસ કર્મચારીઓ, ૮૦૦ હોમગાર્ડના જવાનો અને બે એસઆરપીની ટુકડીઓ વહેલી સવારથી ખડેપગે બંદોબસ્ત કરી રહ્યાં છે. ભારત બંધના પગલે પૂર્વ વિસ્તારની તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

વિરોધ કરવા નીકળેલા કાર્યકર્તાઓએ દવાની દુકાનો બંધ કરાવી નથી જ્યારે એમ્યુલન્સને પણ રોકી નથી. આ સિવાય ચાંદખેડામાં આવેલી સાકાર સ્કૂલને પણ કોંગ્રેસના કાર્યકર્તાએ જબરદસ્તી બંધ કરાવવાની કોશિશ કરી હતી, જેમાં સ્કૂલના  પ્રિન્સિપાલ બાળકોનું ભણતર ના બગાડશો તેવું સમજાવવા જતાં તેમની સાથે બબાલ કરી હતી. કાર્યકર્તાઓએ જબરદસ્તી પેટ્રોલ પંપ પણ બંધ કરાવ્યા હતા.

ઓઢવ વિસ્તારમાં બસનાં ટાયરની હવા કાઢી રહેલા કાર્યકર્તાઓને રોક્તાં પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તોફાની માહોલ ઊભો કરવા માટે નીકળેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાત પણ કરી છે.

આ મામલે સેક્ટર-રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવે જણાવ્યું છે કે નિકોલ વિસ્તારમાં વિરોધ કરવા નીકળેલા ૪૦ કરતાં વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરાઇ છે જ્યારે હજુ પણ ઠેરઠેર કાર્યકરોની અટકાયત થશે.

દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અા દેશની પ્રજા માટે લડી રહી છે જ્યારે ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હોવાથી ભાજપ પ્રજા પર અત્યાચાર કરી રહ્યો છે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સામાન્ય પ્રજાની વેદનાને વાચા આપવા માટે મેદાનમાં ઊતરી છે તેવા સમયે ગાંધીનગરના ઈશારે સામાન્ય લોકો પર પોલીસ અત્યાચાર કરી રહી છે.

ભાજપની ૧૧ લાખ કરોડની લૂંટ પ્રજા સમક્ષ હવે ખુલ્લી પડી ગઇ છે, જોકે કોંગ્રેસ આગામી દિવસોમાં પ્રજાલક્ષી કાર્યક્રમો આપતું રહેશે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કારમી મોંઘવારીમાં પીસાતી પ્રજાને પેટ્રોલ-ડીઝલના આકરા ડામથી ભાજપ સરકારે વધારે તોબા પોકારતી કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ ભારત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

You might also like