બોરસદમાં કોંગ્રેસ જ્યારે ખંભાત પાલિકામાં ભાજપના પ્રમુખની વરણી

નડિયાદ: આણંદ જિલ્લાના બોરસદ તેમજ ખંભાત નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ગઇકાલે બપોરના ૧૨-૦૦ કલાકના સુમારે બોરસદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી નિયમ અનુસાર બોરસદ પાલિકા સભાખંડમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. જેમાં ભાજપના ચૂંટાયેલા સાતેય સભ્યો ગેરહાજર રહ્યા હતા.

જ્યારે કોંગ્રેસના ૧૦ અને અપક્ષના ૧૫ મળી પ્રમુખપદની વરણી કરી હતી. જેમાં પ્રમુખપદે અંજનાબેન રાવજીભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે યુસુફબેગ ઈબ્રીહીમબેગ મીરઝાની પસંદગી કરવામાં આવી છે. તેમજ ચાર અપક્ષ સભ્યો ગેરહાજર રહ્યા હતા. અપક્ષોના સથવારે કોંગ્રેસે નગરપાલિકામાં પુનઃ પ્રમુખપદ હાંસલ કર્યુ છે.

બોરસદ નગરપાલિકામાં ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. બોરસદની જનતાએ આ વખતે કોંગ્રેસ, ભાજપને બાજુએ હડસેલીને અપક્ષોને વિજયી બનાવ્યા હતા. અપક્ષોએ પણ ભેગા મળીને કોંગ્રેસને સાથે રાખીને સત્તા હાંસલ કરી છે ત્યારે બોરસદની જનતાની લાગણી-માંગણીઓ ઉપર ખરા ઉતરવામાં સત્તા હાંસલ કરનારા સત્તાધીશો શું કરે છે તે જોવાનું રહ્યું.

ખંભાત નગરપાલિકાની ચૂંટણી થતાં ભાજપના ૨૦ ઉમેદવારો વિજયી બન્યા હોવાથી નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ-ઉપપ્રમુખની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પ્રમુખપદે પરિમલ શાહ તેમજ ઉપપ્રમુખપદે રાજેશભાઈ રાણા તેમજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે યોગેશ ઉપાધ્યાયની વરણી કરવામાં
આવી છે.

You might also like