કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ

અમદાવાદ: રાજ્યમાં દલિત, પાટીદાર પર થયેલા અત્યાચાર, બેરોજગારી અને મોંઘાં શિક્ષણ જેવા પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી જન આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રેલી અને વિધાનસભાના ઘેરાવને લઇ ગાંધીનગરમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. રેલી અને સભા બાદ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વિધાનસભાનો ઘેરાવ કરશે.

રાજ્યની પ્રજા પર થતા અત્યાચારનો પ્રતિકાર કરવા માટે જન આક્રોશ રેલીનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ જન આક્રોશ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. વિવિધ બેનરો સાથે રાજ્યનાં અલગ અલગ શહેરમાંથી આવેલા કોંગ્રેસી કાર્યકરો આ રેલીમાં બાઇક અને જિપ સાથે જોડાયા હતા. થલતેજથી કોંગ્રેસની જન આક્રોશ રેલીનો પ્રારંભ થયો હતો. વિવિધ બેનર અને સૂત્રોચ્ચાર સાથે બાઇકો અને જિપમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતા સાથે ગાંધીનગર જવા નીકળ્યા હતા. જોકે રેલીમાં કાયદાનું ખુલ્લેઆમ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉલ્લંઘન કર્યું હતું. કાર્યકર્તાઓ હેલ્મેટ વગર બાઇક લઇને તેમજ જિપમાં સીટ બેલ્ટ વગર રેલીમાં જોડાયા હતા.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે નીકળેલી રેલી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી હતી. કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવનાર હોઇ ૧૭૦૦ થી ર૦૦૦ પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. આ રેલીમાં પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, મનીષ દોશી, હિમાંશુ વ્યાસ, ચેતન રાવલ વગેરે આગેવાનો જોડાયા હતા.

You might also like