કોંગ્રેસનો વળતો ઘાઃ અમિત શાહ અમને નૈતિકતાના પાઠ ન ભણાવે

નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ પ્રકરણમાં હવે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તેમજ સામસામી નિવેદનબાજી ઉગ્ર બની ગઈ છે. ભાજપે એક બાજુ એવું નિશાન તાક્યું છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનની છે તો સામે પક્ષે કોંગ્રેસે એવું જણાવ્યું છે કે નૈતિકતાની વાતો કરતા ભાજપે પોતાનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ભાજપના પ્રમુખ અમિત શાહ સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે કમસેકમ તેઓ અમને નૈતિકતાના પાઠ ન ભણાવે.

રણદીપ સૂરજેવાલાએ કોંગ્રેસ પર લગાવવામાં આવેલાં કલંકને ભૂંસવાના સમર્થનમાં માત્ર સ્પષ્ટતા જ નથી કરી, પરંતુ ભાજપ પર કેટલાય સંગીન આક્ષેપો કર્યા છે. સૂરજેવાલાએ જણાવ્યું છે કે ઈન્ડિયન રોટરક્રાફ્ટ કંપની ટાટા અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ વચ્ચે ભાગીદારીથી કામ થતું હતું. શું સંરક્ષણ પ્રધાન મનોહર પરિકર આ બાબતમાં કોઈ સ્પષ્ટતા કરશે ખરા ? મોદી સરકારે ૮ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ ઈન્ડિયન રોટરક્રાફ્ટ કંપનીને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ તરફથી મંજૂરી અપાવી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે લલિત મોદી પર મોદી સરકાર મહેરબાન છે, પરંતુ વિજય માલ્યાનાં પ્રત્યાર્પણ માટે કામ કરી રહી છે.

You might also like