કોંગ્રેસના આક્ષેપ મામલે BJPના મંત્રીએ વરસાવ્યા ‘બાબા’ પર ચાબખા

દિલ્હી:રાહુલ ગાંધી અને પિયુષ ગોયેલ બન્ને દેશની રાજનીતિના મોટા ખેલાડી. રાહુલ ગાંધી એક રાજકીય પક્ષના વડા છે જ્યારે પિયુષ ગોયેલ દેશના રેલ મંત્રી છે. જાહેરજીવનમાં હોઈએ એટલે સામાન્ય રીતે વિપક્ષના હુમલાનો સામનો કરવો જ રહ્યો. રાહુલ થોડા સમય પહેલા પિયુષ ગોયલ પર લગાવેલા આક્ષેપોનો ગોયેલે પોતાના અંદાજમાં જવાબ આપ્યો અને કહ્યું કે હું કામદાર છું તમારી જેમ નામદાર નહીં. હવે આ જ મુદ્દે દેશની બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરુ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે,કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે પોતાના પર લાગેલા કથિત આરોપોને લઈ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. શંકાસ્પદ વેપારી સોદાને લઈ ગોયેલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સીધુ નિશાન સાધ્યું. ગોયેલ ટ્વિટના માધ્યમથી કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે હું કાયદાના શિક્ષણમાં ટૉપર છું, ચાર્ટડ અકાઉન્ટન્ટમાં સમગ્ર ભારતમાં બીજો રેંક મેળવ્યો હતો.

વધુમાં તેમણે જણાવેલ કે,વ્યાવસાયિક CA અને ઈન્વેસ્ટમેંટ બેંકર હોવાના કારણે હું સલાહ આપવા માટે સક્ષમ છું. પરંતુ આપ એ બધું છોડો મીસ્ટર પી.ચિદમ્બરમ,તમારા દીકરા કાર્તિના મામલામાં કોણ સલાહકાર છે ? તો વધુ એક ટ્વિટ કરતા રેલ મંત્રી પિયુષ ગોયેલે લખ્યું કે 26 મે 2014થી પહેલા જ્યારે હું મંત્રી ન હતો ત્યારે હું વ્યવસાયિક ચાર્ડડ અકાઉન્ટન્ટ અને ઈન્વેસ્ટમેંટ બેંકર હતો. રાહુલ ગાંધીની જેમ મને કમાણી વીના જીવન જીવવાની કળા નથી આવડતી હું એક કામદાર છું,નામદાર નહીં.

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પિયુષ ગોયેલ સામે એક ખાનગી કંપનીના શેર તેની મૂળ કિંમતથી લગભગ એક હજાર ગણી વધારે કિંમત પર વેચવાને લઈ નિશાન સાધ્યું હતું અને પિયુષ ગોયેલના રાજીનામાની માગ કરી હતી. રાહુલે ટ્વિટ કર્યું હતું પિયુષ ગોયેલનું રૂપિયા 48 કરોડનું ફ્લેશનેટ કૌભાંડ લાલચ, છેતરપિંડી અને અંગત હિતોને દર્શાવે છે. આ મામલાના પુરાવા સૌની સામે છે.

રાહુલ ગાંધીએ પિયુષ ગોયેલ સામે જે આક્ષેપ લગાવ્યો હતો તેમાં સત્ય કેટલું એતો તપાસનો વિષય છે. જો કે શનિવારે એક ખાનગી ન્યૂઝ વેબસાઈટે એક સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. જેમાં કહેવાયું હતું કે ગોયેલ અને પીરામલ ગ્રુપની વચ્ચે થયેલી સમજૂતિથી હિતોના ટકરાવનો મામલો બને છે. કારણ કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના દસ્તાવેજોથી એ જાણવા મળ્યું છે કે ગોયેલ અને તેમની પત્નીની સંયુક્ત માલિકીવાળી કંપનીને ઊંચા નફા સાથે પીરામલ ગ્રુપને વેચવામાં આવી હતી.

You might also like