કોંગ્રેસના મુખપત્રમાં નેહરુ અને સોનિયા ગાંધીની ટીકા

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જ કોંગ્રેસને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે તેવા એક ઘટનાક્રમમાં પક્ષના મુખપત્ર કોંગ્રેસ દર્શનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીની જોરદાર ટીકા કરવામાં આવી હતી. આ બંને ઉપર વાંધાજનક લેખ પ્રકાશિત થતાં પાર્ટીને અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ લેખના સંદર્ભમાં ભારે હોબાળો થયા બાદ કન્ટેન્ટ એડિટરની હકાલપટ્ટી કરી દીધી હતી.સાથે સાથે પક્ષના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ દર્શન મુખપત્રના સંપાદક સંજય નિરુપમે માફી પણ માંગી હતી. દરમ્યાન ભાજપે જણાવ્યું હતું કે આખરે સત્ય બહાર આવી ગયું છે. અહેવાલ મુજબ કોંગ્રેસ દર્શનમાં કન્ટેન્ટ એડિટર અથવા તો આ લેખ માટે સામગ્રી એકત્રિત કરનાર એડિટર સુધીર જોશીની પાર્ટી દ્વારા હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

આ લેખમાં પાર્ટીના નેતૃત્વ ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તેના જ મુખપત્રએ કાશ્મીર મામલા પર પંડિત જવાહરલાલ નહેરુની નીતિની ઝાટકણી કાઢી છે અને આક્ષેપ કર્યો છે કે, સોનિયા ગાંધીની નીતિ પણ પ્રશ્નો ઉઠાવે તે પ્રકારની રહી છે. પાર્ટીએ પોતાના સ્થાપના દિવસ પર સામે આવેલા આ વિવાદથી શરમજનક સ્થિતિમાં આવી ગઈ છે. કોંગ્રેસના ૧૩૧માં સ્થાપના દિવસથી પહેલા પાર્ટીની મુંબઈ શાખાએ તેના માટે મુશ્કેલી સર્જી દીધી હતી. મુંબઈ કોંગ્રેસના મુખપત્રમાં જવાહરલાલ નહેરુ અને સોનિયા ગાંધી પર તીવ્ર પ્રહાર કરવામાં આવ્યા છે. આમા નહેરુની ટિકા કરતા તેમની કાશ્મીર, ચીન અને તિબેટની નીતિને લઇને પ્રહાર કરવામાં આવ્યા છે. મુખપત્રમાં સાફ લખવામાં આવ્યું છે કે, નહેરુને આંતરરાષ્ટ્રીય મામલાઓ ઉપર સ્વતંત્રતા સેનાનીઓ અને તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની વાત સાંભળવાની જરૃર હતી. ૧૫મી ડિસેમ્બરના દિવસે પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર આ મહિનામાં પાર્ટીના કોંગ્રેસ દર્શનમાં પ્રકાશિત લેખમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો કે, આ લેખમાં લેખકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ દર્શનના ડિસેમ્બર ઇશ્યુમાં સોનિયા ગાંધી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સોનિયા ગાંધીના વિદેશી મૂળ પર કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ વિખવાદમાં રહી છે. આમા શરૃઆતી જીવન પર વિગતવાર માહિતી અપાઈ છે. સોનિયા ગાંધીની એરહોસ્ટેજ બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરવામાં આવી છે. મુખપત્રમાં એવા આરોપ ઉપર પણ વાત કરવામાં આવી છે જેમાં સોનિયા ગાંધીના પિતાને ફાસિસ્ટ દર્શાવવા અને રશિયાની સામે વિશ્વ યુદ્ધમાં તેમના હારવાની વાત થતી રહી છે. કોંગ્રેસ પોતે જ ભાજપ અને ડાબેરીઓને ફાસિસ્ટ દર્શાવે છે. આમા આક્ષેપ કરાયો છે કે, સોનિયા ગાંધીના પિતા સ્ટેફનો માયનો એક પૂર્વ ફાસીવાદી સૈનિક હતા. સોનિયા કયા પ્રકારથી ઝડપથી પાર્ટી અધ્યક્ષ પદ પર પહોંચી તેની પણ વાત કરવામાં આવી છે.

આમા જણાવવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધીએ ૧૯૯૭માં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકે નોંધણી કરાવી હતી અને ૬૨ દિવસ સુધી પાર્ટીના પ્રમુખ બની ગયા હતા. સરકાર રચવાના નિષ્ફળ પ્રયાસ પણ કર્યા હતા. કોંગ્રેસને હંમેશા નહેરુ અને પટેલ વચ્ચે કોઇપણ મતભેદને ફગાવી દીધા છે પરંતુ કોંગ્રેસ દર્શનના ડિસેમ્બર ઇશ્યુમાં આમા વાત કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, પટેલના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી પદ અપાયું હોવા છતાં બંને નેતાઓમાં તંગદિલીપૂર્ણ સંબંધ હતા. બંનેએ અનેક વખત રાજીનામા આપવાની ધમકી આપી હતી. નહેરુ વિદેશી મામલાઓના ઇન્ચાર્જ હતા અને કાશ્મીર મામલાને નહેરુએ પોતાની પાસે રાખ્યો હતો. પટેલ કેટલીક કેબિનેટ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

લેખમાં સાફ શબ્દોમાં જણાવવાયું છે કે, પટેલની દૂરદર્શીતાને ધ્યાનમાં રાખવામાં આવી હોત તો આજની સ્થિતિ સર્જાઈ ન હોત. આમા અનેક ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ છે. આમા જણાવવામાં આવ્યું છે કે, પટેલની વાત નહીં માનવાથી નહેરુએ ચીન, તિબેટ અને નેપાળ જેવા આંતરરાષ્ટ્રીય મામલાઓને અસ્તવ્યસ્ત કરી દીધા હતા.

You might also like