ધનુષ અને કાજોલનો મુકાબલો

દક્ષિણની ફિલ્મ ‘વીઆઈપી’ની શાનદાર સફળતા બાદ હવે આ ફિલ્મની સિક્વલ ‘વીઆઇપી-૨ઃ લલકાર’ બનાવવામાં આવી છે. સૌંદર્યા રજનીકાંત દ્વારા નિર્દેશિત આ કોમેડી ડ્રામા ફિલ્મમાં ધનુષ અને કાજોલ એકબીજાનો મુકાબલો કરતાં જોવા મળશે. આ ફિલ્મથી કાજોલ સાઉથની ફિલ્મોમાં દાયકાઓ બાદ પરત ફરી રહી છે. ખાસ વાત એ છે કે ધનુષ આ ફિલ્મમાં અભિનય ઉપરાંત તેનો સહનિર્માતા પણ છે. તેણે ફિલ્મની કહાણી અને સંવાદ પણ લખ્યા છે. ફિલ્મની કહાણી અને પોતાની ભૂમિકા અંગે ધનુષ કહે છે કે ફિલ્મ ‘વીઆઇપી-૨’ એ મોટા પડકારોનો સામનો કરવાની કહાણી છે, જે સફળતા મેળવવા દરમિયાન અને તેના પછી આવે છે. આ ફિલ્મ દ્વારા કોર્પોરેટ જગતની સચ્ચાઇ ઉજાગર કરવામાં આવી છે. ફિલ્મમાં બતાવાયું છે કે અહીં પણ રાજકીય ખેલ કેવી રીતે ચાલે છે.

ફિલ્મમાં ધનુષનું નામ રઘુવરન છે. તે ખૂબ જ સ્માર્ટ અને મજાકિયા સ્વભાવનો છે અને તેને ચૂપ કરાવવો લગભગ અશક્ય છે. તે સફળતા અને નિષ્ફળતા દરમિયાન આવતા પડકારોનો સામનો પોતાના અંદાજમાં કરે છે. પડકારો તેને કોઇ પણ રીતે પ્રભાવિત કરતા નથી. આ ફિલ્મમાં કાજોલ નેગેટિવ રોલમાં જોવા મળશે. ધનુષ અને કાજોલ વચ્ચેની કે‌િમસ્ટ્રી પણ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. કાજોલ બે દાયકા બાદ તામિલ ફિલ્મોમાં જોવા મળશે. કાજોલ કહે છે કે મને આ ફિલ્મમાં કામ કરીને ખરેખર ખૂબ જ મજા આવી. પહેલી વાર મેં આ ફિલ્મ માટે ના કહી હતી, પરંતુ મારી પાસે તેની સ્ક્રિપ્ટ આવી અને વાંચી તો મને ખૂબ જ ગમી. મને લાગ્યું કે આ ફિલ્મને પૂરતો ન્યાય મળી શકશે. પહેલી વાર આ ફિલ્મને ના કહેવાનું કારણ એ હતું કે હું આ જોખમ લઇ શકીશ કે નહીં અને ફિલ્મને ન્યાય અપાવવામાં સક્ષમ રહીશ કે નહીં તેનો મને વિશ્વાસ ન હતો.

http://sambhaavnews.com/

You might also like