મ્યુનિસિપલ કોંગ્રેસના નેતાપદનું કોકડું ગૂંચવાયું

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનમાં ટોચના પાંચ હોદ્દામાં વિપક્ષના નેતાના હોદ્દાનો પણ સમાવેશ થાય છે. વિપક્ષના નેતાને કોર્પોરેશનમાં એસી ઓફિસ અને એસી ગાડી આપવામાં આવે છે, જેના કારણે આ હોદ્દો મેળવવા માટે કોંગ્રેસમાં જબ્બર આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણને લીધે નેતાપદનું કોકડું ગૂંચવાયું છે.
|
મ્યુનિ. કોંગ્રેસના નેતાપદે બહુમતી સમાજ કે લઘુમતી સમાજને પ્રતિનિધિત્વ આપવું, બહુમતી સમાજમાં પાટીદાર કે ઓબીસીના ચૂંટાયેલા પ્રતિનિધિને નેતાપદ ફાળવવું વગેરે મુદ્દાઓ ઉપર હજુ કોંગ્રેસ હાઇકમાન્ડ અવઢવમાં મુકાયું છે. પરિણામે પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ચાલેલી નેતાની પસંદગી માટેની ઉચ્ચસ્તરીય કવાયત પર પાણી ફરી વળ્યું છે.

સુરેન્દ્ર બક્ષી, અતુલ પટેલ અને બદરુદ્દીન શેખ વચ્ચે કાતિલ સ્પર્ધાનો માહોલ છે એટલે શનિવારે મોડી રાતે નેતાનું નામ જાહેર થઇ જવાનું હતું, પરંતુ હાઇકમાન્ડ જ મુશ્કેલીમાં મુકાયેલ છે. બીજી તરફ ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર બિપીન સિક્કાને વનરાજસિંહે ઝાલાનો ચૂંટણીમાં પરાજય થવાથી શાસક પક્ષના નેતા બનાવીને નેતાના મામલે બાજી મારી દીધી છે.

જોકે નેતાપદના અનેક દાવેદારો કપાઇ જવાથી ભાજપમાં નીચલી કમિટીઓની રચનાનું કામ ટલ્લે ચઢ્યું છે. ભાજપ હાઇકમાન્ડ પણ નીચલી કમિટીઓમાં ચેરમેનપદું મેળવવા થતી આપસી ટાંટિયાખેંચથી સંકટમાં મુકાયું છે. આમ, સત્તા માટેની સ્પર્ધાથી કોંગ્રેસની સાથેસાથે ભાજપની સ્થિતિ પણ કંઇ વખાણવાલાયક નથી. એ વાત અલગ જ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા, ચાર ટોચના હોદ્દા જ નક્કી કરી શકાયા છે, જોકે એએમટીએસ અને સ્કૂલ બોર્ડના ચેરમેન થવા ભાજપમાં ધમસાણ મચ્યું છે.

You might also like