કંડક્ટરે છેડતી કરતાં કિશોરી ચાલુ એસટી બસમાંથી કૂદી ગઈ

અમદાવાદ: મહેસાણા જિલ્લામાં ચાલતી હડોલ-વડનગર રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલી એક કિશોરીને બસના જ કંડક્ટરે છેડતી કરતાં ગભરાઈ ગયેલી અા કિશોરીએ બસનો દરવાજો ખોલી પડતું મૂકતાં અા ઘટનાએ સનસનાટી ફેલાવી દીધી હતી. ગંભીરપણે ઘવાયેલી અને કોમામાં સરી પડેલી કિશોરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હોવાનું જાણવા મળે છે. મહેસાણા એસટી ડેપોની હડોલ-વડનગર રૂટની બસ ગઈકાલે કનડિયા ગામ પાસે પસાર થઈ રહી હતી ત્યારે કંડક્ટરની સીટની અાગળની સીટમાં બેઠેલી એક ૧૬ વર્ષની કિશોરીની કંડક્ટરે છેડતી કરવાનું શરૂ કર્યું હતું. અા કંડક્ટર વારંવાર સગીરાના કાનમાં કંઈક કહેતો હતો. કંડક્ટર સગીરાને અન્ય પેસેન્જરો સાંભળે તેમ ઈચ્છા છે? તેવું વારંવાર કહેતાં સગીરા ગભરાઈ ગઈ હતી. જો કે બસમાં મુસાફરોની સંખ્યા બસમાં ઓછી હોવાથી કોઈ સગીરાની મદદે આવ્યું ન હતું.

કંડક્ટરની વારંવાર પજવણીના કારણે કિશોરી મુંઝાઈ ગઈ હતી. અા કંડક્ટર તેને વધુ હેરાન કરશે તેવી દહેશતથી તેને અચાનક જ તેની સીટ પરથી ઊભા થઈ દરવાજો ખોલી નાખી બસમાંથી નીચે પડતું મૂકતાં તમામ ડઘાઈ ગયા હતા. બસ ડ્રાઈવરે તરત જ બસને ઊભી રાખી દીધી હતી અને ગંભીરપણે ઘવાયેલી કિશોરીને સારવાર માટે ખસેડી હતી. જો કે ગંભીર ઈજા થવાને કારણે કિશોરી કોમામાં સરી પડતાં તેને તાત્કાલીક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવી હતી. પોલીસે કંડક્ટર વિરુદ્ધ છેડતી અને પોસ્કોની કલમ હેઠળ ગુનો દાખલ કરી ફરાર કંડક્ટરની શોધખોળ શરૂ કરી છે.

You might also like