કન્ડિશનર-સિરમનો યોગ્ય ઉપયોગ વાળને રાખે તંદુરસ્ત

યુવાનોમાં પ્રેઝન્ટેબલ રહેવાનો ક્રેઝ જાગ્યો છે ત્યારે માત્ર ચહેરાને જ મહત્ત્વ આપવું યોગ્ય નથી. ચહેરાની સાથેસાથે યોગ્ય હેરસ્ટાઈલ અને ખાસ કરીને સુંદર વાળ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. મોટા ભાગે યુવાનો વાળ તરફ ધ્યાન આપતા નથી અને જે લોકો ધ્યાન આપે છે તેઓ કન્ડિશનર અને સિરમનો આડેધડ ઉપયોગ કરે છે.

વાળને સિલ્કી રાખતાં કન્ડિશનર અને વાળની સ્ટાઈલ જાળવી રાખવામાં તેમજ વાળમાંથી ગૂંચ કાઢવા માટે ઉપયોગી થતાં સિરમનો માફકસર ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વાળની ગુણવત્ત્।ા જાળવવામાં મદદ મળે છે. આ અંગે ટિપ્સ આપતાં ધ ફાઈનલ ટચ ફેમિલી સલૂનના ભૂપેન્દ્ર પનારા કહે છે કે, “કન્ડિશનર અને સિરમનો વધુ પડતો ઉપયોગ વાળને લાંબે ગાળે નુકસાન કરે છે. આ બંનેનો પદ્ધતિસરનો ઉપયોગ કરાય તો તેનાથી વાળની સ્ટાઈલ ને ગુણવત્તા જાળવી શકાય.”

વાળની ક્વૉલિટી મુજબનું શેમ્પૂ વાપરો
વાળની કવોલિટી મુજબનું શેમ્પૂ વાપરવું જરૃરી છે. જો ક્વોલિટી મુજબનું શેમ્પૂ
ન વાપરો તો તેનાથી વાળમાં ડ્રાયનેસ અને ફ્રિઝિનેસ આવી જાય છે. જેના કારણે વાળ બાઉન્સી થઈ જાય છે. નોર્મલ ટુ ડ્રાય હેર, ઓઈલી હેર, ડ્રાય ટુ થિક હેર જેવી ગુણવત્તાને ધ્યાને લઈ શેમ્પૂ અને કન્ડિશનર બંનેની પસંદગી કરવી જોઈએ.

સિરમનો ઉપયોગ
વાળમાં ડ્રાયનેસ દૂર કરવા સિરમનો મોટા ભાગે ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને જોજોબા ઓઈલ, વિટામિન ઈ ધરાવતાં સિરમ વાળને સ્મૂધ રાખવા તેમજ વાળને શાઈનિંગ આપવા માટે ઉપયોગી છે. જોકે જે સિરમ પસંદ કરો તે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું હોવું જોઈએ જેથી વાળને નુકસાન ન થાય. સિરમ લગાવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે માત્ર વાળમાં જ લગાવવું, સ્કૅલ્પમાં નહીં. સ્કૅલ્પમાં સિરમ લાગે તો તેનાથી લાંબે ગાળે નુકસાન થઈ શકે છે.

કન્ડિશનરનો ઉપયોગ
જો દરરોજ બહાર ફરવાનું થતું હોય તો વાળને દરરોજ શેમ્પૂ કરવું જોઈએ અને એકાંતરે વાળમાં કન્ડિશનિંગ કરવું જોઈએ. જો બહાર વધુ નીકળવાનું થતું ન હોય તો બે દિવસે વાળને શેમ્પૂ કરી શકાય. કન્ડિશનર લગાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું કે તે સ્કૅલ્પમાં ન લાગે. કન્ડિશનર લગાવ્યા બાદ મસાજ માત્ર વાળમાં જ કરવું, સ્કૅલ્પમાં નહીં. કન્ડિશનર વાળમાં લગાવ્યા બાદ ચારથી પાંચ મિનિટ સુધી વાળમાં રહેવા દેવું જેથી તે વાળને લોક કરી દઈને તેને બહારની ધૂળ અને પ્રદૂષણથી બચાવે છે.

હેર કલર કરેલા વાળની સંભાળ
જો તમે વાળમાં કલર યુઝ કરતા હોવ તો તેને લગતું હેર કલર શેમ્પૂ અને કન્ડિશનર જ વાપરવાં જોઈએ જેથી હેર કલર લાંબો સમય ટકી રહે. કલર શેમ્પૂ સિવાયનાં શેમ્પૂ હેર કલર કરેલા વાળમાં વાપરવાથી વાળ લાંબા ગાળે ડલ થઈ જાય છે.

સોનલ અનડકટ

You might also like