નરાધમોએ દંપતીને લૂંટી લઇ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરતાં ચકચાર

અમદાવાદ: વડોદરાના માંજલપુર વિસ્તારમાં જીઆઇડીસી પાસે આવેલી શાકમાર્કેટ નજીક મોડી રાત્રે નરાધમોએ રાહદારી દંપતીને આંતરી સોનાનાં દાગીનાની લૂંટ ચલાવી મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરતા આ ઘટનાએ ભારે ચકચાર ફેલાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બે નરાધમોને ઝડપી લઇ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અા ઘટનાની વિગત એવી છે કે, વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ પાસેથી ગઇ મોડી રાત્રે એક દંપતી પસાર થતું હતું ત્યારે કેટલાક નરાધમોએ આ દંપતીને આંતરી મહિલાના સોનાનાં દાગીના લૂંટી લીધા હતા.

ત્યાર બાદ એક નરાધમે મહિલાના પતિને બાનમાં લીધો હતો અને મહિલાને બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં લઇ જઇ તેના પર બંને જણાંએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાના પગલે પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ઝીણવટભરી તપાસના અંતે આ ઘટનામાં સંડોવાયેલા બે શખસની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like