પુત્ર-પુત્રવધૂ સામે ફરિયાદ માટે ધક્કા ખાધા પણ કોઈઅે સાંભળ્યું નહીં

અમદાવાદ: સરકાર સિનિયર સિટીઝનની વહારે આવવાની વાત કરી રહી છે ત્યારે છેલ્લા એક મહિનાથી મારા પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન તેમજ કલેકટર ઓફિસના ધક્કા ખાઇ રહી છું ‘મારું અહીં કોઇ નથી સાંભળતું….’ આ શબ્દો છે વેજલપુર વિસ્તારમાં રહેતા 61 વર્ષિય વિધવા માતાના કે જે પોતાના પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી પોતાનું ઘર છોડી મોટા પુત્ર સાથે રહેવા ગયાં છે. વિધવા માતાને પોલીસ સ્ટેશન તેમજ કલેકટર ઓફિસથી ન્યાય નહી મળતાં અંતે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. મીરજાપુર કોર્ટે વૃદ્ધાના પુત્ર-પુત્રવધૂ વિરુદ્ધમાં સિનિયર સિટીઝન એક્ટ અને આઇપીસી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે વેજલપુર પોલીસને આદેશ કર્યા છે.

જીવરાજ પાર્ક રંગકૃપા સોસાયટીમાં આવેલ બંગલા નંબર 9માં રહેતાં મીનાબહેન વસંતભાઇ પટેલે પોતાના પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધમાં મીરજાપુર કોર્ટમાં ફરિયાદ કરી છે. મીનાબહેનના પતિ વર્ષ 2003માં મૃત્યુ પામ્યા હતા તેમને નીલેશ, પવન અને કમલ નામના ત્રણ પુત્ર છે. મીનાબહેને કરેલા આક્ષેપ પ્રમાણે જ્યારે તેમના પતિ મૃત્યુ પામ્યા ત્યારે રંગકૃપાનો બંગલો તેમના નામે કર્યો હતો. નીલેશનાં લગ્ન થયા બાદ તેઓ રાજીખુશીથી અલગ રહેવા માટે જતાં રહ્યાં હતાં. સાત વર્ષ પહેલાં પવને ભારતી ચૌધરી નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંગલા નંબર 9 ના બે ભાગ પાડી દીધા હતા. જેમાં એક ભાગમાં મીનાબહેન અને કમલ રહે છે ત્યારે બીજા ભાગમાં પવન તેની પત્ની અને બાળકો રહે છે. બંગલામાં લાઇટનું મુખ્ય કનેકશન પવનના ભાગમાં હોવાથી મીનાબહેન રહે છે તે ભાગનું લાઇટ કનેકશન બંધ કરી દીધું હતું.

દોઢ મહિનાથી લાઇટ વગરના ઘરમાં રહેતાં માતા પુત્ર વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા માટે ગયાં હતાં જોકે પોલીસ ફરિયાદ નહીં નોંધતાં તેમણે તારીખ 9 માર્ચના રોજ કલેકટર ઓફિસરમાં ફરિયાદ કરી હતી. કલેકટરમાં ફરિયાદ કરતાં મીનાબહેન તેમજ પવનને હાજર થવા માટે તારીખ 13મી એપ્રિલની મુદત અપાઇ હતી. 13મી એપ્રિલે મીનાબહેનની ફરિયાદનો નિકાલ નહીં આવતાં 24મી એપ્રિલ વધુ તારીખ પડી હતી. પોલીસ સ્ટેશન તેમજ કલેકટર ઓફિસમાં જઇને નિરાશ થયેલાં મીનાબહેને મીરજાપુર કોર્ટમાં વકીલ મનીષ ઓઝા મારફતે પવન અને ભારતી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે બંને દંપતી વિરુદ્ધમાં સિનિયર સિટીઝન એક્ટ હેઠળ ધરપકડ કરવા આદેશ કર્યો છે.

મીનાબહેનની ફરિયાદ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પટેલે કોઇ જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું. મીનાબહેનના પુત્ર પવન પટેલ (ચૌધરી)નો આ અંગે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મને અને મારી પત્નીને હેરાન કરવા માટે મારી માતાએ ખોટા આરોપ મૂક્યા છે.
http://sambhaavnews.com/

You might also like