એસટીના ટેન્ડરમાં બોગસ પ્રમાણપત્ર રજૂ કરનાર કંપની સામે ફરિયાદ

અમદાવાદ: ગુજરાત માર્ગ વાહનવ્યવહાર નિગમની ૩૧ બસમાં અંદા‌િજત રપ લાખ રૂપિયાનાં એલઇડી ડે‌િસ્ટનેશન બોર્ડ લગાવવા માટેના ટેન્ડરમાં એક કંપનીએ ઓટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ટેસ્ટ રિપોર્ટનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને પેઢીએ નિગમ પાસેથી ટેન્ડર મેળવી લીધું હતું.

મણિનગર વિસ્તારમાં આવેલ શ્રીકુંજ સોસાયટીમાં રહેતા અને ગુજરાત માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસટી)માં ખરીદી નિયામક તરીકે ફરજ બજાવતા ગૌરાંગ શાહે નરોડા પોલીસ સ્ટેશનમાં છેતર‌િપંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી ખાતે બસ બોડી બ‌િલ્ડિંગ માટે જરૂરી માલસામાનની ખરીદી માટે ઓનલાઇન ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે.

સ્લીપર કોચની ૩૧ બસના બ‌િલ્ડિંગ વર્ક માટે એલઇડી ડે‌િસ્ટનેશન બોર્ડ તથા અન્ય ત્રણ પ્રકારની એલઇડી લાઇટની ખરીદી કરવા માટે તારીખ ૪ જાન્યુઆરી, ર૦૧૮ના રોજ ઓનલાઇન ટેન્ડર બહાર પડાયું હતું. ટેન્ડર ભરનાર કંપનીઓએ ૧૭ જાન્યુઆરી, ર૦૧૮ સુધી નિગમે નક્કી કરેલા પાંચ પ્રિક્વો‌િલ‌િફકેશનના આધારભૂત પુરાવાઓ રજૂ કરી હાર્ડ કોપીમાં મોકલી આપવાના હતા. નિગમને દિલ્હીની અકાલ ટ્રે‌િડંગ, આરજી ઇ‌િક્વપમેન્ટ, કેમિટો ઇન્ફોટેક, અમદાવાદની કરકરે અને આસ્પા ઓટો લેમ્પસ નામની પાંચ કંપનીઓનાં ટેન્ડર મળ્યાં હતાં.

ટેન્ડરના દસ્તાવેજોની તપાસ બાદ આસ્પા ઓટો લેમ્પસ નિગમને ગેરલાયક ઠેરવાઈ હતી. સરખેજની કરકરે નામની કંપનીએ ઓટોમો‌િટવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ટેસ્ટ રિપોર્ટનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. ર૧ ફેબ્રુઆરીના રોજ કરકરે કંપનીને અંદા‌િજત રપ લાખ રૂપિયાનાં એલઇડી ડે‌િસ્ટનેશન બોર્ડનો ઓર્ડર અપાયો હતો.

દરમિયાનમાં તારીખ ર૬ માર્ચ, ર૦૧૮ના રોજ કેમિટો ઇન્ફોટેક નામની કંપનીએ નિગમને એક પત્ર લખ્યો હતો, જેમાં કરકરેએ ટેન્ડર ખોલતી વખતે રજૂ કરેલ ઓટોમો‌િટવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ટેસ્ટ રિપોર્ટનું પ્રમાણપત્ર ખોટું હોવાનું જણાવ્યું હતું.

પત્રના આધારે નિગમે તારીખ ર૭ માર્ચના રોજ કરકરે પેઢીને ટેસ્ટ રિપોર્ટના પ્રમાણપત્રના મામલે ખુલાસો કરવા માટે ઇ-મેઇલ કર્યો હતો, જોકે પેઢીએ કોઇ યોગ્ય જવાબ નહીં આપતાં નિગમે ઓટોમો‌િટવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયાને કરકરે પેઢીને ઇશ્યૂ કરેલા પ્રમાણપત્ર માટે ઇ-મેઇલ કર્યો હતો.

ઓટોમો‌િટવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ નિગમને ઇ-મેઇલ કરીને કરકરે કંપનીને આવું કોઈ પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યું નથી તેવો જવાબ આપ્યો હતો, જેના આધારે એસટી નિગમે ટેસ્ટ રિપોર્ટનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવા બદલ કરકરે કંપની વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં છેતર‌િપંડીની ફરિયાદ કરી છે.

You might also like