અમદાવાદની આઠ વિધાનસભા બેઠક માટે કોર્પોરેટરોમાં સ્પર્ધા

અમદાવાદ: છેક ર૦૧૦થી સતત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાસ્થાને બિરાજમાન ભાજપના ૧પથી વધુ હાલના કોર્પોરેટરોમાં તૂટેલા રસ્તાને લઇને શહેરીજનોમાં છવાયેલા આક્રોશને સિફતપૂર્વક નજરઅંદાજ કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષમાંથી ટિકિટ મેળવીને ધારાસભ્ય બનવાના કોડ જાગ્યા છે. શહેરની ૧૬ બેઠક પૈકી દરિયાપુર, જમાલપુર, મણિનગર, નિકોલ, અમરાઇવાડી, ઠક્કરબાપાનગર, એલિસબ્રિજ અને વેજલપુર સહિત આઠથી વધુ બેઠક માટે ભાજપના કોર્પોરેટરો જ અંદરોઅંદર સ્પર્ધામાં ઊતર્યા છે.

દરિયાપુર બેઠક માટે હાલના ટોચના એક હોદ્દેદાર તેમજ એક નીચલી કમિટીના ચેરમેન વચ્ચે મ્યુઝિક ચેરની રમત રમાઇ રહી છે. નારણપુરાની બેઠક માટે એક અન્ય ટોચના હોદ્દેદારે પ્રબળ દાવેદારી નોંધાવી છે. અત્યારના તબક્કે આ હોદ્દેદારના રસ્તા પર કમસે કમ મ્યુનિસિપલ ભાજપમાંથી મજબૂત પડકાર નથી. તેમ છતાં નારણપુરા સેફ બેઠક ગણાતી હોઇ આ બેઠક પર કોઇ સ્કાયલેબ તૂટી પડે તેવી પણ ચર્ચા ચાલી છે.

જોકે એક પૂર્વ મેયર અને વર્તમાન કોર્પોરેટરને વેજલપુર બેઠક પર આ જ વોર્ડના એક પુરુષ કોર્પોરેટરે ચેલેન્જ ફેંકી છે. અલબત્ત આ પૂર્વ મેયર વેજલપુરની બેઠક ન મળે તો એલિસબ્રિજની બેઠક પરથી ટિકિટ મેળવીને ચૂંટણી જંગમાં ઝંપલાવવા માગેે છે, પરંતુ એલિસબ્રિજની બેઠક બ્રહ્મ સમાજને ફાળવવાની માગણી સાથે આ વિધાનસભા મત વિસ્તારના એક બ્રાહ્મણ મહિલા કોર્પોરેટરને તેમની સાથે સ્પર્ધામાં ઝંપલાવ્યું છે. ભાજપ માટે વેજલપુર અને એલિસબ્રિજ અત્યારે પણ મજબૂત ગણાય છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની મણિનગર બેઠક માટે બે-બે મહિલા કોર્પોરેટરોએ પક્ષ હાઇકમાન્ડ સમક્ષ દાવેદારી નોંધાવી છે. આ બંને વરિષ્ઠ કોર્પોરેટર પણ છે. પાટીદારોના ગઢ ગણાતા નિકોલની ટિકિટ એક પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન ઝંખી રહ્યા છે. જોકે પ્રદેશના ટોચના નેતાઓ સાથેનો વર્ષો જૂનો ઘરોબો રાખનાર આ મહિલા કોર્પોરેટરના ભાગ્ય બળવાન બનશે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે.

અસારવા બેઠક માટે એક પૂર્વ ડેપ્યુટી મેયર અને એક નીચલી કમિટીના ચેરમેન વચ્ચે રસ્સાખેંચ છે. જોકે પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા ચેરમેનની ઇચ્છા ઠક્કરબાપાનગરની ટિકિટની પણ છે. ખાડિયા-જમાલપુર વોર્ડ માટે બ્રહ્મ સમાજના પૂર્વ અને વર્તમાન કોર્પોરેટર વચ્ચે જંગ છેડાયો છે. પૂર્વ કોર્પોરેટર તો આ બેઠકના ધારાસભ્ય છે.

ધારાસભ્ય બનીને પોતાનું રાજકીય કદ વધારવાના સપનાં જોનારાઓમાં હાલના મ્યુનિસિપલ ભાજપના નેતા પણ છે. આ મહાશયને નરોડા બેઠક પરથી ચૂંટણી લડવી છે. એક અન્યનાં નયન અમરાઇવાડીની તરફ છે. આમ તો મ્યુનિસિપલ ભાજપમાં મહત્વાકાંક્ષીઓનો પાર નથી, પરંતુ છેક દિલ્હી હાઇકમાન્ડ કે પ્રદેશ હાઇકમાન્ડ સાથે ગાઢ સંપર્ક ધરાવનાર ગણ્યાગાંઠયાઓનેે જાન્યુઆરી, ર૦૧૮માં ગુજરાત વિધાનસભામાં શાનભેર બિરાજમાન થવા ટિકિટની તક મળશે. ભાજપને એન્ટી ઇન્કમબન્સીનો ભય હોઇ શહેરમાં મોટા પાયે નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાશે. તેવું ચર્ચાતું હોઇ આ સઘળા મહત્વાકાંક્ષી કોર્પોરેટરો દિલ્હીના આંટાફેરા કરશે. કેમ કે રાજ્યની તમામ ૧૮ર બેઠકની સમીક્ષા ભાજપ હાઇકમાન્ડ દ્વારા આટોપાઇ ગઇ હોઇ હવે તખ્તો દિલ્હી ખસેડાયો છે.

You might also like