શહેર કોંગ્રેસનો તાજ પહેરવા માટે ત્રણ અગ્રણીઓમાં સ્પર્ધા

અમદાવાદ: રાજ્યની છ મહાનગર-પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યો હોવા છતાં એક પણ મહાનગરપાલિકામાં કોંગ્રેસ સત્તા મેળવી શકી નથી. જેના કારણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરના શહેર કોંગ્રેસના પ્રમુખોએ રાજીનામાં અાપી દીધા હતા. શહેર પ્રમુખોના રાજીનામાં બાદ હવે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ઉત્તરાયણ બાદ અમદાવાદ સહિત રાજ્યના ત્રણ શહેર અને ચાર જિલ્લાના પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં અાવે તેવી સંભાવના છે ત્યારે અમદાવાદ શહેરના પ્રમુખપદ માટે ચારથી પાંચ જેટલા ઉમેદવારો હરીફાઈમાં છે.

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા સહિત જિલ્લા પંચાયતોની ચૂંટણી બાદ કોંગ્રેસ દ્વારા શહેર અને જિલ્લા પ્રમુખોને બદલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં અાવી છે, જેના અંતર્ગત અમદાવાદ શહેર અને જામનગર શહેર સહિત ત્રણ શહેર પ્રમુખોની નવી વરણી કરવામાં અાવશે તેમજ દ‌િક્ષ‍ણ ગુજરાતના બે જિલ્લા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રના એક-એક જિલ્લા પ્રમુખને બદલવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં અાવી છે. જેના સંદર્ભે તા.15 થી 20 જાન્યુઅારી દરમિયાન શહેર-જિલ્લા પ્રમુખોની વરણી પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરી દેવામાં અાવશે.

અમદાવાદ શહેર પ્રમુખપદેથી રાજીનામું અાપ્‍યા બાદ ચેતન રાવલ ફરીથી અા પદે યથાવત્ રહેવા માટે અનિચ્છા દર્શાવી ચૂક્યા છે તેવા સંજોગોમાં નવા શહેર પ્રમુખ બનવા માટે હવે કેટલાક લોકો તૈયાર થઈ ગયા છે. અામ છતાં હજુ સુધી ખૂલીને બહાર અાવ્યા નથી. અા પદ માટે ચારથી પાંચ લોકો હરોળમાં છે, જોકે તેમાં ડૉ. જીતુ પ્‍ાટેલનું નામ મોખરે છે. અા સ્પર્ધામાં જેમનાં નામ ચર્ચાય છે તેમાં ડાે. જીતુ પટેલ, જગત શુક્લ, મિહિર શાહ, રાજકુમાર ગુપ્તા સહિતની કેટલીક વ્યક્તિ પ્રમુખ બનવા માટે થનગની રહ્યા છે. જોકે અા પૈકીનાં નામો ડાે. જીતુ પટેલ, જગત શુક્લ અને મિહિર શાહ હોટ ફેવરિટ મનાઈ રહ્યાં છે.

You might also like