મ્યુનિ. કોંગ્રેસના નેતા માટે સુરેન્દ્ર બક્ષી અને અતુલ પટેલ વચ્ચે સ્પર્ધા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં છેલ્લા ૧૦ વર્ષથી સત્તા સ્થાને રહેલા ભાજપને પછડાટ આપીને પરિવર્તન લાવવાનું સ્વપ્ન સેવનાર કોંગ્રેસને ફરીથી પાંચ વર્ષ માટે વિરોધપક્ષની ભૂમિકા ભજવવાની થશે. એક પ્રકારે કોંગ્રેસની પણ વિરોધપક્ષ તરીકે કોર્પોરેશનમાં હેટ્રીક થશે. આ સંજોગોમાં મ્યુનિ. કોંગ્રેસના નેતા માટે જબ્બર સ્પર્ધાત્મક માહોલ જામ્યો છે. સુરેન્દ્ર બક્ષી અને અતુલ પટેલના નામ કોંગ્રેસના નવા નેતા તરીકે ચર્ચાઈ રહ્યા છે.

કોંગ્રેસ હાઈકમાંડે કોર્પોરેશનની ચૂંટણીમાં ચાલુ કોર્પોરેટરો કે જૂના જોગીઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાને બદલે નવા ચહેરાઓને વધુ પસંદ કર્યા હતા. પરિણામે કોંગ્રેસના ચૂંટાઈ આવેલા ૪૯ કોર્પોરેટરો પૈકી ચાલુ ૧૩ કોર્પોરેટરો બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. જ્યારે ૩૯ કોર્પોરેટરો પહેલી વખત ચૂંટાયા છે, પરિણામે મ્યુનિ. કોંગ્રેસના નેતા માટે હાઈકમાંડ મુંઝવણમાં મુકાયું છે.

જોકે અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની હોઈ તેમજ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી આવતી હોઈ કોંગ્રેસ હાઈકમાંડ નેતા પદની જવાબદારી નવા નિશાળિયાને આપશે નહીં તેમ લાગે છે. આના કારણે કોંગ્રેસના વરિષ્ઠ કોર્પોરેટરો સુરેન્દ્ર બક્ષી અને અતુલ પટેલના નામ નવા નેતા તરીકે મોખરાના સ્થાને ચર્ચાઈ રહ્યા છે.

લઘુમતી સમાજને ૨૦૧૦થી ૨૦૧૫ સુધી નેતા પદ ફાળવાયું હોઈ આગામી ૨૦૧૫થી ૨૦૨૦થી નવી ટર્મ માટે લઘુમતી સમાજમાંથી નેતાની પસંદગી થાય તેવી શક્યતા નહીંવત છે. જોકે હાલના મ્યુનિ. કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ અને હસન લાલા પણ નેતા પદની સ્પર્ધામાં છે. જો કોઈ મહિલાની નેતા તરીકે પસંદગી થાય તો તેમાં કમળાબહેન ચાવડાનું નામ વધુ ચર્ચાસ્પદ બન્યું છે.

જોકે મહિલાની પસંદગી થવાની શક્યતા સાવ જ ઓછી છે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ કોર્પોરેટર દિનેશ શર્મા પણ સ્પર્ધામાં ઊતર્યા છે. જોકે તેમના અગાઉના બાગી તેવર તેમને નેતાપદથી દૂર રાખે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ કોર્પોરેટર નારણ પટેલનું નામ પણ ચૂંટણી અગાઉ નેતાપદ માટે ચર્ચાતું હતું, પરંતુ તેઓ સ્ટેડિયમ વોર્ડમાંથી ચૂંટણી હારી ગયા છે.

You might also like