ટેનિસઃ મહિલાની સરખામણીમાં પુરુષ ખેલાડીને વધુ સજા મળી છે

લોસ એન્જલસઃ થોડા દિવસો પહેલાં દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે કહ્યું હતું કે સજાની બાબતમાં બેવડાં ધોરણો અપનાવવામાં આવે છે, પરંતુ આંકડા આનાથી તદ્દન ઊલટા છે, જેમાં પુરુષ ખેલાડીઓને કોર્ટમાં ગુસ્સો કરવા અને રેકેટ તોડવાના મામલામાં મહિલાઓની સરખામણીએ લગભગ ત્રણ ગણી વધુ સજા ફટકારવામાં આવી છે.

૧૯૯૮થી ૨૦૧૮ દરમિયાન ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં પુરુષ ખેલાડીઓને ૧૫૧૭ વાર દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે મહિલા ખેલાડીઓને દંડ ફટકારવાના ૫૩૫ મામલા સામે આવ્યા છે.

ગત ૨૦ વર્ષ દરમિયાન રમાયેલી ૧૦,૦૦૦થી વધુ મેચમાંથી એકઠા કરવામાં આવેલા આંકડા અનુસાર રેકેટ તોડવાના મામલે પુરુષ ખેલાડીઓને ૬૪૯ વાર દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે મહિલાઓને ફક્ત ૯૯ વાર આ સજા કરવામાં આવી.

આ આંકડામાં ‘અસભ્ય ભાષા’નો ઉપયોગ કરવાના મામલામાં પુરુષો પર ૩૪૪ વાર દંડ ફટકારાયો, જ્યારે મહિલાઓ પર ૧૪૦ વાર. આ સાથે જ રમતની ભાવનાથી વિપરીત આચરણ કરવા બદલ પુરુષોને ૨૮૭ વાર, જ્યારે મહિલાઓને ૬૭ વાર દંડ ફટકારવામાં આવ્યો.

થોડા સમય પહેલાં સેરેના વિલિયમ્સે યુએસ ઓપનની ફાઇનલમાં નાઓમી ઓસાકા સામે મેચ દરમિયાન ચેર અમ્પાયર કાર્લોસ રામોસના નિર્ણયનો વિરોધ કરીને અમ્પાયરને ‘જુઠ્ઠો’ અને ‘ચોર’ કહી નાખ્યો હતો. સેરેનાએ મેચ બાદ ટૂર્નામેન્ટ રેફરીને કહ્યું હતું, ”હું એક મહિલા છું. તેથી તમે મારી વિરુદ્ધ નિર્ણય આપી શકો છો.” ત્યાર બાદ પત્રકાર પરિષદમાં પણ સેરેનાએ કહ્યું હતું, ”આ યોગ્ય નથી.

મેં ઘણા પુરુષ ખેલાડીઓને અમ્પાયર સામે અસભ્ય ભાષાનો પ્રયોગ કરતાં જોયા છે. હું અહીં મહિલાઓના અધિકાર અને બરાબરી માટે લડી રહી છું. મેં અમ્પાયરને એક ગેમ છીનવી લઈને વિરોધી ખેલાડીને આપવા બદલ ‘ચોર’ કહ્યો હતો.” સજાના મામલે બેવડા માપદંડ અપનાવાતા હોવાનો આક્ષેપ સેરેનાએ કર્યો હતો.

સેરેનાએ એ મેચમાં ગુસ્સે થઈને પોતાનું રેકેટ પણ તોડી નાખ્યું હતું અને ધમકી આપી હતી કે પોર્ટુગલનાે એ અમ્પાયર તેની મેચમાં ક્યારેય અમ્પાયરિંગ ના કરે. ઓસાકાએ એ ફાઇનલમાં સેરેનાને ૬-૨, ૬-૪થી હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીતી લીધો હતો.

You might also like