કંપનીઓ ગ્રાહકોને મૂર્ખ બનાવે છેઃ બાબા રામદેવ

નવી દિલ્હી : યોગગુરુ બાબા રામદેવે ફેરનેસ ક્રિમ્સ વેચતી મલ્ટિનેશનલ કંપનીઓ પર પ્રહાર કરીને જણાવ્યું હતું કે આ કંપનીઓ કાળી ત્વચાને ગોરી બનાવી દેવાના દાવા કરીને ગ્રાહકોને મૂર્ખ બનાવે છે. તેમની જાહેરખબરોમાં ચમકતી છોકરીઓ પહેલેથી જ કુદરતી રીતે ગોરી અને સુંદર હોય છે.

રામદેવનું પતંજલિ ગૂ્રપ પણ અનેક પ્રકારનાં આયુર્વેદિક ઉત્પાદનો વેચે છે. તેમણે કહ્યું કે મલ્ટિનેશનલ કંપનીઓ ખોટા વચનો આપીને ગ્રાહકોને મૂર્ખ બનાવે છે. રસપ્રદ વાત એ છે કે પતંજલિ ગ્રૂપ પણ એક બ્યૂટી ક્રીમ પ્રોડકટ વેચે છે. રામદેવે અત્રે સંન્યાસ આશ્રમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપર મુજબ જણાવ્યું હતું.

રામદેવે કહ્યું કે, હું આખી દુનિયા શોધી વળ્યો છું, પણ કયાંય એવી એકેય છોકરી જોવા મળી નથી જેનાં ચહેરાનો કાળો રંગ ફેરનેસ બ્યૂટી ક્રીમ લગાવીને ગોરો થઈ ગયો હોય. આ બધી અત્યાધુનિક કેમેરાની કમાલ છે. પતંજલિ બ્રાન્ડનાં ઉત્પાદનોનાં વેચાણમાંથી જે નફો થશે એ બધો ચેરિટી કામમાં અને દેશની સેવામાં આપી દેવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

You might also like