શાહઅાલમમાં મોડી રાતે બે જૂથો વચ્ચે કોમી દંગલ

અમદાવાદ: શાહઆલમ વિસ્તારમાં આવેલી ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ જૂથ અથડામણ થઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાહઆલમ તોલનાકા પાસે આવેલી ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય પ્રકાશભાઈ કનુભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે કે અશાંત ધારા હેઠળ સોસાયટીમાં મુસ્લિમ પરિવારે હિન્દુના નામે મકાન ખરીદ્યું હતું, જેને લઈને ગઈ કાલે મોડી રાત્રે આરોપી અસ્લમખાન તથા અન્ય બે શખસોએ સોસાયટીના રહીશો ઉપર હુમલો કર્યો હતો, જેમાં સોસાયટીના રહીશો તથા આરોપીઓ આમનેસામને આવી ગયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

કાગડાપીઠ પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે અશાંત ધારા હેઠળ હિન્દુ સોસાયટીમાં મુસ્લિમ પરિવારે મકાન ખરીદતાં સોસાયટીના રહીશો મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો સામે સોસાયટીની બહાર દેખાવો કરી રહ્યા છે. મોડી રાતથી પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર છે.

અસલમ ખાન તથા સોસાયટીના રહિશો વચ્ચે થયેલી બબાલમાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આજે વહેલી સવારથી જ સોસાયટીના રહીશો રોડ પર દેખાવો કરતાં ચક્કાજામ થઈ ગયો હતો. આ મુદ્દે કાગડાપીઠ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.દેસાઈએ જણાવ્યું છે કે અશાંત ધારા હેઠળ સોસાયટીમાં મુસ્લિમ પરિવારે હિન્દુ નામ રાખીને મકાન ખરીદ્યું હતું. જેમાં સોસાયટીના રહીશોને આ વાતની હકીકત થતા મકાન ખરીદનાર સામે વિરોધ ઊભો કર્યો હતો.

કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોડી રાતથી પોલીસ ઘટનાસ્થળ પર હાજર છે. હુમલાખોરોની ધરપકડ કરવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વહેલી સવારથી ઉશ્કેરાયેલા રહીશોને સમજાવીને સાઈડમાં બેસાડ્યા હતા.

You might also like