જીએસટી રિટર્નનું સરળીકરણ કરવા માટે કમિટીની રચના

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જીએસટીએનના ચેરમેન અજય ભૂષણ પાંડેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં રિટર્ન ફાઇલિંગમાં પડતી મુશ્કેલીઓ સંબંધે વિચારવિમર્શ કરશે. આ સમિતિમાં ગુજરાત, કર્ણાટક, પંજાબ અને આંધ્રપ્રદેશના ટેક્સ કમિશનર સામેલ છે. આ સમિતિ જીએસટીમાં રિટર્ન ફાઇલિંગ કરવા અંગેના નિયમો, કાયદો તથા સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે કે નહીં તે અંગે સૂચનો આપશે. સમિતિ ૧૫ ડિસેમ્બર સુધીમાં આ રિપોર્ટ સરકારને સોંપી દેશે.

જીએસટીએનના ચેરમેન પાંડેએ વધુમાં જણાવ્યું કે રિટર્ન ફાઇલિંગ કરવા અંગેના નિયમોમાં સરળીકરણ થાય તે માટે ટેક્સ નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. જીએસટી નેટવર્ક પોર્ટલ પર રિટર્ન દાખલ કરતા કુલ વેપારીમાંથી લગભગ ૪૦ ટકા વેપારીઓ નીલ રિટર્ન ફાઇલ કરે છે. જીએસટી કાઉન્સિલે રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાનાં વિવિધ સૂચનો મેળવવા એક કમિટીની રચના કરી છે એટલું જ નહીં જીએસટીઆર-૨ તથા જીએસટીઆર-૩ના ફાઇલિંગને ૩૧ માર્ચ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે જીએસટીઆર-૧માં વેચાણ સંબંધી વિગતો આપવાની હોય છે, જ્યારે જીએસટીઆર-૨માં ચીજવસ્તુઓની ખરીદી સંબંધી વિગતો રિટર્નમાં ભરવાની હોય છે. વેપારીઓએ માર્ચ સુધી જીએસટીઆર-૧ રિટર્નની સાથે જીએસટીઆર-૩બી રિટર્ન ભરવાનું રહેશે. સમિતિ રિટર્ન અંગેના નિયમોમાં સરળીકરણ થાય તે અંગે ખૂબ જ ઝડપથી સરકારને રિપોર્ટ સોંપશે.

You might also like