એસેસમેન્ટ ઓર્ડર બાદ નાણાં ભર્યાં હોય તો તેને સ્કીમમાં લાભ આપવાની માગ

અમદાવાદ: રાજ્ય સરકારના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે વેટની સમાધાન યોજનાની જાહેરાત કરી છે, પરંતુ તેમાં પ્રામાણિક વેપારીઓને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તેવી સ્થિતિનું સર્જન થયું હોવાનું વેટ પ્રેક્ટિશનર્સના નિષ્ણાતો જણાવી રહ્યા છે.

તેઓના કહેવા પ્રમાણે એસેસમેન્ટ ઓર્ડર પછી જો કોઇ વેપારીએ નાણાં ભર્યાં હોય તો તે નાણાંનો લાભ આ સ્કીમમાં મજરે આપવો જોઇએ એટલે કે જો કોઇ વેપારી અપીલમાં ગયો હોય અને અપીલના તબક્કે ડેપ્યુટી કમિશનરના ઓર્ડર મુજબ જે તે રકમ ભરી હોય તો તે રકમ આ સ્કીમમાં મજરે મળવી જોઇએ, જે સરકારની ગઇ કાલની કરેલી આ જાહેરાત મુજબ મજરે નહીં મળવાથી પ્રામાણિક વેપારીને નુકસાન થઇ રહ્યું છે, જ્યારે પ્રેક્ટિશનર્સના કહેવા પ્રમાણે પાંચ લાખની ડિમાન્ડ નીકળી હોય તો તેમાં એક લાખ ટેક્સ, એક લાખ વ્યાજ અને ત્રણ લાખની દંડની રકમ હોય અને વેપારી અપીલમાં જાય છે.

કમિશનરના ઓર્ડર મુજબ અડધી રકમ એટલે કે ૫૦,૦૦૦ રૂપિયાની રકમ ભરી અરજી પેન્ડિંગમાં હોય તો સરકારની સમાધાન સ્કીમ મુજબ આ ભરેલી રકમ મજરે મળતી નથી. વેટ પ્રેક્ટિશનરના કહેવા મુજબ વેપારીએ ભરેલી આ રકમ સ્કીમનો લાભ લેવા માટે મજરે મળવી જોઇએ.

આ અંગે વેટ બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ વારીસ ઇશાનીના જણાવ્યા પ્રમાણે સરકારે વેટ સમાધાન યોજના જાહેર કરી છે, પરંતુ તેમાં પ્રામાણિક વેપારીઓને નુકસાન જઇ રહ્યું છે. એસેસમેન્ટ ઓર્ડર પછી જો કોઇ વેપારીએ નાણાં ભર્યાં હોય અને અપીલ પેન્ડિંગમાં હોય તો તેઓને નાણાં ભર્યાંની રકમ બાદ મળતી નથી, જેથી પ્રામાણિક વેપારીઓને નુકસાન જઇ રહ્યું છે. સરકારે વેપારીને અપીલના તબક્કે જે તે ટેક્સની રકમ ભરી હોય તેઓને આ સ્કીમમાં લાભ લેવા માટે બાદ મળવી જોઇએ તેવી માગ વેટ બાર એસોસિયેશન કરી રહ્યું છે.

You might also like