કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ ૧૭૦થી વધુ બિલ્ડિંગ પર તોળાતી સીલિંગ ઝુંબેશ

અમદાવાદ: શહેરમાં ફાયર સેફ્ટી સિસ્ટમનો અભાવ કે ફાયર સેફ્ટીના લાઇસન્સને સમયસર રિન્યૂ નહીં કરાવતી ૯૮૨ બહુમાળી ઈમારતોની યાદી કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાઈ હતી. આ મામલે અગાઉ પણ હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો હતો, પરંતુ તંત્ર કોર્ટના આદેશને સિફતપૂર્વક ઘોળીને પી જતાં તાજેતરમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ફરીથી ગાજી ઊઠ્યો છે. શહેરમાં ૧૫૦ કોમર્શિયલ ઈમારતોની સાથેસાથે ૧૭૦થી વધુ સેમી કોમર્શિયલ ઈમારતોમાં ફાયર સેફ્ટીની એનઓસી લેવાઈ નથી તેવી પણ ચોંકાવનારી વિગત જાણવા મળી છે.

શહેરમાં ૧૭૦થી વધુ સેમી કોમર્શિયલ બહુમાળી ઈમારતો એટલે કે કોમર્શિયલ યુનિટોની સાથેસાથે રેસિડેન્શિયલ ફ્લેટ ધરાવતી બહુમાળી ઈમારતોના સંચાલકોએ પણ ફાયરસેફ્ટી સંદર્ભે બેદરકારી દાખવી છે. આ ૧૭૦ સેમી કોમર્શિયલ ઈમારતોમાં ગત તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ની સ્થિતિએ ફાયર સેફ્ટીની એનઓસી તંત્ર પાસેથી લેવાઈ નથી, જેમાં આજે પણ ખાસ ફેરફાર થયો નથી. ગયા ગુરુવારે હાઈકોર્ટ સમક્ષ મ્યુનિ. તંત્ર દ્વારા સેફ્ટીના સંદર્ભમાં ડિસેમ્બર સુધીમાં કોમર્શિયલ અને સેમી કોમર્શિયલ બહુમાળી ઈમારતોને સીલ કરવાની સોગંદનામું કરીને બાંયધરી આપી છે.
noc-list-3

You might also like