ભારત પાસે પર્યાપ્ત ફોરેક્સ રિઝર્વઃ અરૂણ જેટલી

નવી દિલ્હી: સતત ગગડી રહેલા રૂપિયા અંગે બજારની ચિંતાને દૂર કરતા કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કરન્સી બજારમાં રૂપિયાની કોઇ પણ ઊથલપાથલ કે ચડાવ-ઉતાર સામે કામ લેવા દેશ પાસે પૂરતા પ્રમાણમાં ફોરેન કરન્સી રિઝર્વ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત સરકાર સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખીને મોનિટરિંગ કરી રહી છે. તુર્કીના આર્થિક સંકટ અને તેની કરન્સી લીરામાં ભારે ઘટાડાને લઇને ઊભી થયેલી ચિંતા વચ્ચે જેટલીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તુર્કીના આર્થિક સંકટ અને ડોલરમાં મજબૂતાઇથી વિકાસશીલ દેશોની કરન્સી માટે જોખમ ઊભું થયું છે, જોકે દેશના આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત છે.

દરમિયાન રૂપિયામાં ઘટાડા અંગે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે આ કોઇ મોટી ચિંતાની વાત નથી. તેમણે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ઇમર્જિંગ માર્કેટની સ્થિતિ ૨૦૧૩ની તુલનાએ ઘણી સારી છે.

રઘુરામ રાજનના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી વિક્રમી નીચી સપાટીએ રૂપિયો પહોંચ્યો તે કોઇ ચિંતાજનક બાબત નથી. વાસ્તવમાં ભારતમાં ફુગાવાનો દર દુનિયાની તુલનાએ વધુ છે. તેથી રૂપિયામાં થોડી નબળાઇ આવે તે સ્વાભાવિક છે.

જ્યારે તુર્કી સંકટ પર રઘુરામ રાજને જણાવ્યું હતું કે તુર્કીમાં ખરાબ નીતિના કારણે મુશ્કેલી જોવા મળી રહી છે. દેશ અત્યારે અત્યંત નાજુક દોરમાં છે અને તુર્કીની આર્થિક સ્થિતિના કારણે સમગ્ર વિશ્વમાં કરન્સી સંકટ વધવાની દહેશત છે.

You might also like