કમ્ફર્ટ કૅફે ઝોન ફોર કોર્પોરેટ કલ્ચર

ઓફિસ એવી જગ્યા કે જ્યાં વ્યક્તિ તેની જાગૃત અવસ્થામાં સૌથી વધારે સમય પસાર કરે છે. એવું કહીએ તો પણ ખોટું નથી કે આજના કોર્પોરેટ કલ્ચરમાં વ્યક્તિ કદાચ ઘરે સૂવા માટે જ જાય છે. તેથી જ આજકાલ દરેક કોર્પોરેટ ઓફિસમાં કર્મચારીઓને સાનુકૂળ વાતાવરણ મળી રહે તેવો માહોલ ક્રિએટ થઇ રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ કોર્પોરેટ ઓફિસના કૅફે કલ્ચરની, તો કોર્પોરેટ કંપનીઓ કર્મચારીઓ તાણ વગર કામ કરી શકે તે માટે કોન્સેપ્ટ બેઝ કૅફે ડિઝાઇન કરવામાં આવી રહી છે. તેના માટે તેઓ જાણીતા નિષ્ણાતો સાથે દેશવિદેશના ઇન્ટીરિયર ડેકોરેટર્સ અને આર્કિટેક્ટસની મદદ લે છે.

ઓફિસમાં બનાવવામાં આવતાં કેફેટેરિયા શહેરના જાણીતાં કૅફેસને ટક્કર મારે તેવાં હોય છે. કૅફેમાં કર્મચારીઓ તેમનો થાક, સ્ટ્રેસ, કામનો બોજ હળવો કરી શકે તે માટેની તમામ વસ્તુઓ હોય છે. તેમાં સારું ફૂડ તો પીરસાય છે સાથેસાથે તેમના મનોરંજન માટેની પણ ઘણી વસ્તુઓ હોય છે.

મોટા ભાગનાં કેફેસ જ્યારે નવી ઓફિસ બનતી હોય ત્યારે જ ડિઝાઇન કરવામાં આવે છે. આ અંગે એક ખાનગી કંપનીના મેનેજર વત્સલ વસાણી કહે છે કે, “કંપનીના એચઆર મેનેજર્સ અને એડમિન સ્ટાફ કૅફેની બધી બાબતોનું ધ્યાન રાખે છે. આ કૅફેસ જેટલાં ફેન્સી હોય છે તેટલું તેમાં જમવાનું પણ મૉડર્ન અને હેલ્ધી હોય છે. શહેરના જાણીતા ફૂડ સપ્લાયર્સ અને રેસ્ટોરાંને કૅફેમાં ફૂડ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કૅફેમાં ઘણી વખત કંપની કર્મચારીઓ સાથે નાનીમોટી મિટિંગ પણ રાખે છે. જેથી હોટલના લાંબા બિલ્સમાંથી પણ મુક્તિ મળે છે.”

ખાનગી કંપનીનાં સિનિયર એકાઉન્ટ એક્ઝિક્યુટિવ ચૈત્રા દેવારૂબલી કહે છે કે, “અમારી ઓફિસના ઇન્ડોર કૅફેનું વાતાવરણ એકદમ રિફ્રેશિંગ છે. તેની દીવાલો પર ટાંગેલાં પેઇન્ટિંગ્સ અને પ્રેરણાત્મક વાક્યોથી કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય છે. જ્યારે પણ એવું લાગે કે હવે કામનો ઓવરડોઝ થઇ ગયો છે તો અમે બેત્રણ કર્મચારીઓ રિલેક્સ થવા કૅફેમાં પહોંચી જઇએ છીએ.”

કેટલીક ઓફિસમાં તો ટેરેસ કૅફેનો કૉન્સેપ્ટ પણ વિકસ્યો છે. ત્યારે એક ખાનગી મીડિયા હાઉસમાં કામ કરતા ભૌમિક શુક્લ કહે છે કે, “મારી ઓફિસના ટેરેસ એરિયામાં ઓપન કૅફે છે. જ્યાં હું મારા સહકર્મીઓ સાથે સાંજના સમયે જઇને બેસું છું. ઓપન સ્પેસમાં કૅફે હોય અને સાંજનો સમય હોય ત્યારે આખા દિવસની દોડધામ પછી સાંજની થોડી ક્ષણો ઓપન ટેરેસમાં વિતાવવાની ખૂબ મજા આવે છે.”

કૃપા મહેતા

You might also like