સાહિત્યકારો વિશ્વ ચેતનાના કોલમ્બસ છે : ભાગ્યેશ જહા

વડોદરા : મહાત્મા ગાંધીએ સાહિત્ય સાવ સરળ લોકબોલીમાં લખી શકાય એવી પ્રતિતી કરાવી છે અને સમકાલીન અને સર્વકાલીન સાહિત્ય તત્વને તેમના લખાણોમાં ઉજાગર કર્યું છે. તેવી લાગણી વ્યકત કરતાં કવિ પ્રશાસક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ જણાવ્યું હતુંકે સ્વતંત્રતા કાળમાં સર્જાતુ સાહિત્ય તો હૃદયસ્પર્શી  બોધ એ છે કે સાહિત્યકારે માત્ર આત્મરક્ષકતા નહીં તેના સમયની માંગ પ્રમાણે સમાજસ્થ થવું જ જોઇએ.

 

ભાગ્યેશ જહાએ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના આઇ.જી.પટેલ સભાખંડ ખાતે જનજાગૃતિ અભિયાન અકાદમી અને ફેકલ્ટીના ત્રિવેણી સંગમથી આયોજીત બે દિવસીય ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને સાહિત્ય વિષયક પરિસંવાદનો મ.સ.વિશ્વ વિદ્યાલયના કાર્યવાહક કુલપતિ પ્રા.પરિમલ વ્યાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. આ પ્રસંગે બિરેન કોઠારી લિખિત ઓજસ્વી આઝાદ પુસ્તકના હિન્દી અને અંગ્રેજી અનુવાદનું વિમોચન કરવામાં આવ્યું હતું.

 

તેની સાથે આઝાદીના જગના આદિવાસી રંગના લેખક અરૂણભાઇને સ્વતંત્રતા સેનાની રસીકભાઇ આઝાદ પુરસ્કાર એક નવી શરૂઆતના રૂપમાં પ્રદાન કરવામાં આવ્યો હતો અને પ્રખર સયાજી ચિંતક ડો. બંસીધર શર્માનું હિન્દી અનુવાદ માટે સન્માન કરવામાં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીના સિંઘુડાનો ઉલ્લેખ કરતાં જહાએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા કાળમાં સર્જીત સાહિત્ય એ લોકોને ઢંઢોળવા અને જગાડવાનું કામ કર્યું હતું.

 

સાહિત્યકાર કે સાહિત્ય કદાપિ એકલવાયા હોઇ શકે? તેવા વેધક સવાલનો જવાબ જાતે જ આપતાં તેમણે ઉમેર્યું હતું કે સાહિત્યાકરો સમાજ પ્રત્યેની નિસબતથી લખે છે, તેઓ વિશ્વ ચેતનાના કોલંબસ છે. તેમણે આ આયોજન માટે મનહર શાહને અભિનંદન આપતા પરિસંવાદના તમામ સત્રોનું દસ્તાવેજીકરણ કરવા સૂચન કર્યું હતું.

 

મહારાજા સયાજીરાવે જાહેર જીવનના તમામ ક્ષેત્રોમાં બહુમુલ્ય યોગદાન આપ્યું છે અને તેમના જીવન આધારીત કોર્સ (પાઠયક્રમ) તૈયાર કરાવવાની ઇચ્છા છે તેવી લાગણી વ્યકત કરતાં પરિમલ વ્યાસે જણાવ્યું હતું કે સાહિત્યમાં સ્વતંત્રતા અને શિક્ષણનો સમન્વય સમાજ ઉપકાર બની રહે છે. સાહિત્યકારો ખરેખર તો સમાજ સુધારકો છે. સંસ્કૃતના પંડિત ડો. રાજેન્દ્ર નાણાંવટીએ રસીકભાઇ આઝાદના સમાજ અને રાષ્ટ્રલક્ષી જીવનની છણાવટ કરી હતી.

 

સ્વતંત્રતાકાળના સાહિત્યથી રાષ્ટ્રવાદનો પ્રબળ વિચાર મળ્યો અને નર્મદ-દલપતરામ અને તેમની કાઠીના સર્જકો ગાંધી યુગના મશાલચી છે તેવી લાગણી વ્યકત કરતાં સર્જકશ્રેષ્ઠ ડો.મણિલાલ હ.પટેલે બીજરૂપ વકતવ્યમાં જણાવ્યું કે સાહિત્યના એ નવ જાગરણને લીધે ઇશ્વરને બદલે સાહિત્યના કેન્દ્રમાં માણસ અને તેની સંવેદનાઓને સ્થાન મળ્યું. યજમાન ફેકલ્ટી પ્રવકતા ડો.જગદીશ સોલંકીએ જણાવ્યું કે સાહિત્ય વ્યકિતને કલાસ (વર્ગખંડ)માંથી માસ (સમાજ)માં ભળવામાં મદદરૂપ બને છે અને લોકજીવનને સ્પર્શતી સમસ્યાના નિવારણમાં દીવાદાંડીનું કામ કરે છે.

 

જનજાગૃતિ અભિયાનના પ્રણેતા મનહર શાહે સહુને આવકારતા સંસ્થાની લલિતકલા આધારીત સમાજ શિક્ષણ, ઘડતર અને સામાજીક જાગરણની પ્રવૃતિઓની જાણકારી આપી હતી. આ પ્રસંગે સમાજકાર્ય ગુરૂ પ્રા. અનિલ નવલે, કલાગુરૂ પ્રા.કલહંસ પટેલ, ધારાશાસ્ત્રી તુષાર વ્યાસ સહિત મહાનુભાવો અને સાહિત્યરસીકો ઉપસ્થિત રહયા હતા

You might also like