રાજધાની સહિત ટ્રેનના મુસાફરોને મળશે હવે રંગબેરંગી બેડ રોલ્સ

અમદાવાદ: રેલવે તંત્ર હવે રેલ પ્રવાસીઓને વધુ સગવડ અને સુરુચિભરી વ્યવસ્થા આપવાના ભાગરૂપે નાઇટ જર્ની દરમિયાન અપાતા બેડ રોલ્સમાં પણ નવીન બદલાવ કરી રહી છે. તે મુજબ વર્ષોથી રેલવે પ્રવાસીઓને અપાતી સફેદ બેડ શીટને સ્થાને હવે પ્રથમ તબક્કે ઓશન બ્લ્યૂ કલરની ડિઝાઇન ધરાવતી બેડ શીટ આપશે.બેડ શીટમાં મેચ થતા રંગના જ એસી કોચની બારીઓના પરદાને ડિઝાઇન કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેમાં મુસાફરી કરતા લાખો લોકોને રોજ બ્રાઉન કલરનો ધાબળો, બે સફેદ બેડ શીટ, વ્હાઇટ કવરવાળું ઓશિકું અને વ્હાઇટ નેપકીન્સ આપવામાં આવે છે તેના બદલે હવે બેડ રોલમાં બે કલરફૂલ બેડ શીટ ઓશિકું સહિત ધાબળો અને સફેદ નેપકીન આપવામાં આવશે.

નવા ડિઝાઇન કરવામાં આવેલ બેડ રોલ સૌ પ્રથમ અત્યંત ટૂંક સમયમાં રાજધાની ટ્રેનમાં આપવામાં આવશે અને આ વર્ષના અંત સુધીમાં મોટા ભાગની એકસપ્રેસ અને સુપર ફાસ્ટ ટ્રેનમાં અમલી કરાશે. ઓશન બ્લ્યૂ કલર ઉપરાંત અન્ય કલર અને ડિઝાઇન પણ ટૂંક સમયમાં જાહેર કરાશે.
રેલવે અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં અપાતા કેમલ કલર બ્રાઉન ધાબળાને પણ કલરફૂલ સી ગ્રીન, ઓશન બ્લ્યૂ જેવા વિવિધ રંગના પૂરા પાડવામાં આવશે. કુલ બે પ્રકારના રંગની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં રેલવે પ્રવાસીને નવી ડિઝાઇન બ્લ્યૂ કલરફુલ બેડ રોલ મળતા થઇ જશે એટલું જ નહીં તબક્કાવાર કોચની ઇન્ટિરિયર ડિઝાઇન પણ બદલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે મુસાફરો દ્વારા વ્હાઇટ બેડ શીટ ડાઘવાળી, મેલી દેખાતી હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી.

You might also like