રાજકોટ : વિદ્યાર્થીનીનાં ચારિત્ર પર આંગળી ઉઠતા કરી આત્મહત્યા

રાજકોટ : શહેરનાં કાલાવાડ રોડ પર આવેલ કે.એસ.એન કણસાગરના મહિલા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ ચોથા માળેથી પડતું મુકીને આત્મહત્યા કરી હતી. જો કે આપઘાત પાછળ તેનાં ચારિત્ર અંગે કરાયેલા આક્ષેપોને કારણભૂત માનવામાં આવે છે. વિદ્યાર્થીનીને આજે પરિક્ષા હોઇ તે પરિક્ષા આપવા માટે આવી હતી. યુવતીનાં પિતા ધાંગધ્રામાં નાયબ મામલતદાર છે. જેમને આ અંગેની જાણ કરવામાં આવતા પરિવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

ઘટનાં અંગે મળતી માહિતી અનુસાર કૌશીકાબા ઝાલા નામની યુવતીને હોસ્ટેલનાં ગૃહમાતા સાથે ચારિત્ર્ય અંગે બોલાચાલી થઇ હતી. યુવતીનો મોબાઇલ પણ ચેક કરવામાં આવ્યો હતો જેનાં કારણે યુવતીને લાગી આવતા તેણે આવું પગલું ભર્યું હોઇ શકે છે. ઉપરાંત યુવતીને હોસ્ટેલમાં પણ તેને અનેક તકલીફો પડતી હોવાનું અથવા તો તેને હોસ્ટેલમાં નહી ફાવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એફવાયબી.કોમમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી આ યુવતીની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

બનાવ અંગે જાણ થતા જ યુવતીનાં પરિવારજનો ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં પોસ્ટમોર્ટમ માટે મોકલાઇ ત્યારે તેનાં વાલી પણ આવી પહોંચતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે બીજી તરફ યુવતીની આત્મહત્યા બાદ તેની મિત્રો અને અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીની નીચે પટકાઇ ત્યારે માથું ફાટી જતા લોહીનું ખાબોચીયું ભરાઇ ગયું હતું. આ વરવું દ્રશ્ય જોઇને પણ ઘણા વિદ્યાર્થીઓ ડઘાઇ ગયા હતા.

હાલ તો પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીનીનાં મિત્રોની પુછપરછ ચાલી રહી છે. તેનો મોબાઇલ પણ કબ્જે લેવામાં આવ્યો છે. ઘટનાં બાદ શાળાનાં સંચાલકો પણ દોડી આવ્યા હતા. તેઓએ પણ સત્ય બહાર લાવવા માટેની બાંહેધરી વિદ્યાર્થીનીનાં વાલીઓને આપી છે. વિદ્યાર્થીનીઓ વચ્ચે એટીએમની ચોરી બાબત પણ માથાકુટ થઇ હોવાનું બહાર આવી રહ્યું છે. હાલ તો પોલીસ આ મુદ્દે તમામ તથ્યોને સાંકળીને તપાસ કરી રહી છે.

You might also like