કોલેજમાં હવે પાંચ વર્ષથી વધુ કોઈ પ્રિન્સિપાલ નહીં રહી શકે

અમદાવાદઃ સરકારી કે ખાનગી કોલેજો કે શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષો સુધી હવે કોઈ પણ પ્રિન્સિપાલ હોદ્દા પર રહી શકશે નહીં. આ અંગેનો સુધારો રાજ્ય સરકાર આગામી નવા શૈક્ષણિક સત્ર ૨૦૧૭થી અમલી બને તે માટે લાવવા જઈ રહી છે. નવા આવી રહેલા સુધારા મુજબ પ્રિન્સિપાલના કાર્યકાળની મુદત પણ હવે પાંચ વર્ષ માટે ફિક્સ કરાઈ રહી છે.

આ અંગે હાથ ધરાયેલી સુધારા માટેની પ્રક્રિયામાં પિયર કમિટીના નિયુક્ત માટે પરિપત્ર જાહેર કરી દેવાયો છે. પિયર કમિટી તેનો અહેવાલ સરકારને અાપ્યા બાદ આગામી શૈક્ષણિક વર્ષથી તેનો અમલ થઈ જશે તેવું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. કોઈપણ અધ્યાપક નિયમો પ્રમાણે કોલેજમાં પ્રિન્સિપાલ બન્યા બાદ પાંચ વર્ષ સુધી કામ કરશે તેની પાંચ વર્ષની ટર્મ પૂરી થયા બાદ તેઓ નવી એટલે કે બીજી ટર્મ માટે દાવો કરી શકશે. પરંતુ તેની દાવા અરજીની કુલપતિ અને સરકારે નિયુક્તિ કરેલી સભ્યોની કમિટી તેની કાર્યકાળ અંગેની સમીક્ષા કરશે અને તમામ પરિણામો જોયા બાદ તેમને બીજી ટર્મ આપી શકવા અંગનો નિર્ણય લેવાશે.

જે રીતે કુલપતિ કે કુલનાયકની ટર્મ ત્રણ વર્ષની છે તે જ રીતે પ્રિન્સિપાલના કાર્યકાળનો સમય મર્યાદિત થશે. કમિટી બનાવવા માટે યુજીસીએ સુધારો કરીને નવો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે જે દરેક યુનિવર્સિટીને મોકલવામાં આવ્યો છે. આ અંગેના ઝડપી અમલ અંગે પણ યુજીસીએ સૂચના આપી છે.

એકના એક પ્રિન્સિપાલ દાયકાઓ સુધી એક જ પદ પર ચિટકેલા રહેવાથી તેમની સંસ્થામાં મોનોપોલી ઊભી થઈ જાય છે. સાથે સાથે ટ્રસ્ટી મંડળની સાથે રહીને કોલેજો મનમાની કરતી હોવાની અનેક ફરિયાદો સરકારને લાંબા સમયથી મળતી રહી છે. હવે નવા નિયમ પ્રમાણે પાંચ વર્ષની એક મુદત અને પછી કદાચ બીજી ટર્મ ત્યાર બાદ કોઈ તક નહીં તેના કારણે એક જ સંસ્થામાં હવે આ પ્રકારની મોનોપોલી નહીં જળવાય.
http://sambhaavnews.com/

You might also like